જાફરાબાદના કડિયાળી ગામ ખાતે બે પક્ષો વચ્ચે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. પ્રથમ પક્ષે હિંમતભાઈ પ્રતાપભાઈ પરમાર (ઉ.વ.૪૫)એ પ્રવિણભાઈ સોમાભાઈ પરમાર તથા લક્ષ્મીબેન પ્રવિણભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, હિંમતભાઈ બાઈક લઈને ઘરેથી નીકળ્યા ત્યારે પ્રવિણભાઈ ના ઘર પાસે પહોંચતાં તેમણે બાઈક ઊભી રખાવી હતી. પ્રવિણભાઈએ “હું અરવિંદભાઈ જેઠાભાઈના ઘરે મજૂરી કામ કરવા જાઉં છું અને તેઓ મારા ઘરે રહે છે, તો મને કેમ હેરાન કરો છો?” તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ તેમણે ઢીકાપાટુનો માર મારી, પીઠના ભાગે બચકું ભરી લીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામે પક્ષે પ્રવિણભાઈ સોમાભાઈ પરમાર (ઉ.વ.૨૮)એ હિંમતભાઈ પ્રતાપભાઈ પરમાર તથા જીતુભાઈ પ્રતાપભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, તેમના કૌટુંબિક કાકા અરવિંદભાઈના ઘરે મકાન રિપેરિંગનું કામ ચાલુ હોવાથી તેઓ મજૂરી કામ કરવા ગયા હતા. આ બાબત આરોપીઓને સારી ન લાગતાં તેમણે લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.