ચંડીગઢથી બેંગ્લોર સપ્લાય થઈ રહેલા કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કનો અમદાવાદની નરોડા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે નાના ચિલોડા પાસેથી અંદાજિત ૯.૨૫ કરોડની કિંમતના ૧ કિલો ૮૫૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક સપ્લાયરની ધરપકડ કરી છે. આ હાઇપ્રોફાઇલ કેસની પ્રાથમિક તપાસમાં આંતરરાષ્ટ્રીય નાઈજીરીયન ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણી સામે આવતા પોલીસે ચંડીગઢથી લઈને બેંગ્લોર સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની ઓળખ બેંગ્લોરના રહેવાસી નિખિલેશ કિષ્નપ્પા તરીકે થઈ છે. નિખિલેશ ચંડીગઢથી અલગ-અલગ ટ્રાવેલ્સની બસો બદલીને બેંગ્લોર તરફ જઈ રહ્યો હતો. તે બેંગ્લોર માટેની બસ બદલવા માટે અમદાવાદના નાના ચિલોડા પાસે ઉતર્યો ત્યારે જ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને ઘેરી લીધો હતો. તેની તલાશી લેતા અલગ-અલગ બે પાર્સલમાંથી ૯.૨૫ કરોડની કિંમતનો ૧.૮૫૦ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા સપ્લાયર નિખિલેશની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક પાછળ નાઈજીરીયન ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહી છે. ચંડીગઢથી આ ડ્રગ્સનો જથ્થો આપનાર બે નાઈજીરીયન નાગરિકો હતા, જ્યારે બેંગ્લોરમાં આ ડ્રગ્સનો જથ્થો રિસીવ કરનાર પણ ‘ફ્રેન્ક’ નામનો નાઈજીરીયન જ હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે વિદેશી નાગરિકોના આ કાળા કારોબારના તાર શોધવા માટે દિશામાં તપાસ લંબાવી છે.
આરોપીની પૂછપરછમાં વધુમાં જાણવા મળ્યું છે કે તે મૂળ બેંગ્લોરમાં એક કોફી શોપમાં નોકરી કરતો હતો, જ્યાં તે ફ્રેન્ક નામના નાઈજીરીયનના સંપર્કમાં આવ્યો હતો. પોતે એમડી ડ્રગ્સના વ્યસનમાં સપડાયા બાદ પોતાના નશાના ખર્ચા અને શોખ પૂરા કરવા માટે તે આ ડ્રગ્સ સિન્ડિકેટનો સપ્લાયર બની ગયો હતો. આરોપીને એક ટ્રીપમાં ડ્રગ્સ સપ્લાય કરવા બદલ ?૧ લાખ રૂપિયા મળતા હતા. આ સિવાય તે ગયા મહિને પણ દિલ્હીથી એમડી ડ્રગ્સનો જથ્થો સફળતાપૂર્વક બેંગ્લોર સપ્લાય કરી ચૂક્યો હોવાની કબૂલાત કરી છે.
હાલમાં નરોડા પોલીસે ચંડીગઢથી ડ્રગ્સ મોકલનાર અને બેંગ્લોરમાં તેને પ્રાપ્ત કરનાર સમગ્ર નાઈજીરીયન ગેંગના સભ્યો સુધી પહોંચવા ચક્ર ગતિમાન કર્યા છે. ડ્રગ્સના આ આંતરરાજ્ય કાળા કારોબારમાં અન્ય કેટલા સ્થાનિક કે વિદેશી સપ્લાયરો જાડાયેલા છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.