અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પામાં દરોડો પાડીને સ્પાની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના કાળા કારોબારનો ખુલાસો કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન રૂ. ૬.૩૮ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની અટકાયત કરી છે. આ રેકેટમાં અન્ય એક સ્પાના સંચાલકની સંડોવણી પણ સામે આવી છે, જે હાલ ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનું નામ પીરા રામ ચૌધરી છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને ઓઢવ ખાતે ‘એસ.એચ.આર. નેચરલ સ્પા’ ચલાવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ સ્પા તેના ભાગીદાર રામસ્વરૂપના નામે હતું, જે એક મહિના પહેલાં જ પીરા રામના રૂ. ૩ લાખ લઈને ભાગી ગયો હતો. અગાઉ તમિલનાડુમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો પીરા રામ ઝડપી પૈસા કમાવાની લાલચમાં ડ્રગ્સના નેટવર્કમાં ધકેલાયો હતો.
આ સમગ્ર કાળા કારોબારમાં ‘લક સ્પા’ ચલાવતા રમેશ માળી નામના અન્ય એક આરોપીની મુખ્ય ભૂમિકા સામે આવી છે. રમેશ માળી પોતે ડ્રગ્સનું સેવન કરતો હતો અને તેનું છૂટક વેચાણ પણ કરતો હતો. શરૂઆતમાં જા પીરા રામના સ્પામાં કોઈ ગ્રાહક ડ્રગ્સની માંગણી કરતો, તો તે ગ્રાહકની મુલાકાત રમેશ સાથે કરાવી આપતો હતો અને તેના બદલામાં પ્રતિ ડીલ રૂ. ૨૦૦ કમિશન મેળવતો હતો.જાકે, આ ધંધામાં વધુ કમાણી થતી હોવાની લાલચ જાગતા પીરા રામે પોતે જ રમેશ પાસેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ખરીદીને પોતાના સ્પામાંથી ગ્રાહકોને સીધું વેચવાનું શરૂ કરી દીધું હતું. પ્રાથમિક તપાસ મુજબ આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવતો હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપી રમેશ માળીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ પકડાયેલા આરોપીના બેંક એકાઉન્ટ અને મોબાઈલ સીડીઆર ની વિગતો મેળવીને વધુ તપાસ તેજ કરી છે.









































