દામનગર શહેરમાં આવેલા ગાયત્રી મંદિર, વૈજનાથ મંદિર તેમજ તેમની પાછળ આવેલ આંગણવાડી (નંદઘર)ની બાજુમાંથી પસાર થતી ગટર ખુલ્લી હોવાથી અને નજીકના નાળા નીચે પાઈપ તૂટી જવાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ગંદુ પાણી વહી રહ્યું છે. આ પરિસ્થિતિને લીધે ત્યાં આવતા નાના ભૂલકાઓ, દર્શનાર્થીઓ, રાહદારીઓ તેમજ આસપાસ વસવાટ કરતા પરિવારોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે, જેને કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.ધારાસભ્ય, સાંસદ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને વિકાસ કાર્યોની ગ્રાન્ટ મળતી હોવા છતાં નાગરિકોની સુખાકારી માટે તેનું યોગ્ય આયોજન ન થતું હોવાની ચર્ચા ઊઠી છે. સ્થાનિક સત્તાવાળાઓ આ સમસ્યાથી માહિતગાર હોવા છતાં તેનો કોઈ ઉકેલ લાવી શક્યા નથી. અન્ય વિસ્તારોમાં ખુલ્લી ગટરો ઢાંકી દેવામાં આવી છે, તેવી જ રીતે આ વિસ્તારની ગટરને પણ સત્તાધીશો દ્વારા વહેલી તકે ઢાંકી દેવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.








































