સૌરાષ્ટ્રમાં હાલ સાતમ-આઠમના મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર અને ગોંડલના મેળામાં રાઈડને લગતી બે દુર્ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્માષ્ટમીના લોકમેળામાં મોડી રાત્રે રાઈડમાંથી પટકાતાં ૧૨ વર્ષની કિશોરી નિહારિકા પરમારનું મોત થયું છે. જ્યારે ગોંડલના આઇકોનિક મેળામાં બ્રેક ડાન્સ રાઈડમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા અફરાતફરી મચી હતી. જોકે, ગોંડલની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
વઢવાણના જન્માષ્ટમી લોકમેળામાં શનિવારે મોડી રાત્રે પાલખીવાળા મોટા ચકડોળમાં આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ, કિશોરી રાઈડમાંથી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન ઓપરેટરે રાઈડ શરૂ કરી દેતાં તે નીચે પટકાઈ હતી. ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મૃતક કિશોરીની ઓળખ નિહારિકા પરમાર તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ તે થાન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની પુત્રી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
રાઈડના ઓપરેટરે કિશોરી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન રાઈડ કેમ શરૂ કરી અને સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ અને જવાબદારી સ્પષ્ટ થશે.
બીજી તરફ ગોંડલના આઇકોનિક મેળામાં પણ બ્રેક ડાન્સ રાઈડમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હતો. રાઈડ ચાલુ હતી તે દરમિયાન તેનું લોખંડનું પતરૂ ઊંચું થઈને એક તરફ બેસી ગયું હતું. જેના કારણે મેળામાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં પીઆઇ જે.આર. ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ બ્રેક ડાન્સ રાઈડ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે મેળાની અન્ય રાઈડ્સ ચાલુ રાખવામાં આવી છે.









































