સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે ૧૭૫મો ‘વિચાર મહોત્સવ’ યોજાયો હતો. આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે મધમાખીઓની સામુહિક ચેતના અને વ્યવસ્થાપનમાં સફળ જીવનનું તત્વજ્ઞાન રહેલું છે. તેમણે જીવનમાં સતત મહેનત, શિસ્ત, સમૂહ ભાવના, જવાબદારી અને સારા સંવાદરૂપી ‘મધમાખી પ્રેરણા પંચામૃત’ અપનાવવા આહવાન કર્યું હતું. પ્રકૃતિપ્રેમી અશોકભાઈ પટેલે મધમાખીને ખેડૂતની સાથી ગણાવી પરાગનયન દ્વારા
કૃષિપાક વધારવામાં તેની ભૂમિકા વર્ણવી હતી, જ્યારે નીતિનભાઈ દેસાઈએ પ્રકૃતિ પાસેથી વિકાસનો પાઠ શીખવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કન્યા છાત્રાલયના સંચાલક બટુકભાઈ શીયાણીનું સન્માન કરાયું હતું તેમજ સીએના વિદ્યાર્થીને રૂ. ૪૦,૦૦૦ની સ્કોલરશીપ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર આયોજનનું સંકલન હાર્દિકભાઈ ચાંચડ અને અંકિતભાઈ સુરાણીએ સફળતાપૂર્વક સંભાળ્યું હતું.









































