પોરબંદરના માધવપુર દરિયાકિનારે દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા દંપતી સાથે કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. દરિયામાં ઊંચા મોજા વચ્ચે અંજલીબેન શર્મા તણાઈ ગયા હતા. પત્નીને બચાવવા માટે પતિ હરિમોહન શર્માએ દરિયામાં છલાંગ લગાવતા તેઓ પણ ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવાનો અને અન્ય પ્રવાસીઓએ તાત્કાલિક દરિયામાં કૂદી બંનેને બહાર કાઢ્યા હતા. જોકે, પાણીમાં ડૂબી જવાથી અંજલીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં હરિમોહન શર્માને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.