ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી અને તેમની પત્ની ડોના ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ગાંગુલી પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સોમવારે સૌરવ ગાંગુલીની ઓફિસમાં અંગ્રેજીમાં લખાયેલ એક પત્ર આવ્યો હતો, જેમાં તેમને અને તેમના સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીએ ગાંગુલી પરિવારની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.અહેવાલ મુજબ, ગાંગુલી પરિવારને આવો ધમકીભર્યો પત્ર પહેલીવાર મળ્યો નથી; આ પહેલા પણ આવું બન્યું છે. શરૂઆતમાં, પરિવારે તેને એક ઝનૂની ચાહકનું કામ ગણાવીને તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં. જાકે, જ્યારે આવા પત્રો વારંવાર આવવા લાગ્યા, ત્યારે પરિવાર ચિંતિત થઈ ગયો અને અંતે પોલીસ ફરિયાદ નોંધાવી. નોંધનીય છે કે સૌરવ ગાંગુલીને થોડા દિવસો પહેલા હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ગાંગુલી પરિવારે કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજ્ય સરકારના સુરક્ષા વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પત્ર કુરિયર દ્વારા ગાંગુલીની ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો. પરબિડીયું મોકલનારનું નામ “અરુણ કુમાર” હતું. જ્યારે તપાસ પોલીસે પત્રમાં આપેલા ફોન નંબરની તપાસ કરી, ત્યારે કોલરે પણ અરુણ કુમાર નામથી તે જ નંબર દર્શાવ્યો.પશ્ચિમ બંગાળ પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું પત્રો ખરેખર અરુણ કુમાર નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યા હતા કે પછી કોઈ અન્ય વ્યક્તિએ સૌરવ ગાંગુલીને ડરાવવા માટે તેમના નામનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અધિકારીઓ કહે છે કે તેઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે અને ગાંગુલી પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે.














































