અખિલ ભારતીય કોડીનાર તાલુકા ઘેડીયા કોળી સમાજના પ્રમુખ અરસીભાઈ સોલંકીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (OBC/SEBC)ના વિધાર્થીઓને ‘‘ફ્રી શીપ કાર્ડ” યોજનાનો લાભ આપવા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા હાલમાં અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં જેમ કે એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી વગેરેમાં પ્રવેશ મેળવતી વખતે ફી માટે ‘‘ફ્રી શીપ કાર્ડ” યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓએ એડમિશન સમયે મોંઘી ફી ભરવી પડતી નથી અને તેમની ફી સીધી સરકાર દ્વારા કોલેજને ચુકવવામાં આવે છે. આવી જ પરિસ્થિતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની પણ છે, ઓબીસી વર્ગના ઘણા પરિવારો આર્થિક રીતે નબળા છે જેના કારણે તેમના સંતાનો ઉચ્ચ શિક્ષણની મોઘી ફી શરૂઆતમાં ભરી શકતા નથી.



































