દામનગર, લાઠી અને લીલીયા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. જી.જે. ગજેરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી માસ દરમિયાન ડો. પ્રવીણ તોગડિયાના સૌરાષ્ટ્ર પ્રવાસ તેમજ જન્માષ્ટમી ઉત્સવના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસ દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમો, રોકાણ અને આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. બેઠકમાં મજબૂતસિંહ બસિયા, નિર્મલસિંહ ખુમાણ, સહિતના આગેવાનોએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં ચાલી રહેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ખેડૂત પરિષદ, બજરંગદળ કેન્દ્ર, દુર્ગાવહિની, મજૂર પરિષદ, વિદ્યાર્થી પરિષદ તેમજ ઇન્ડિયન હેલ્થ હેલ્પલાઇનના કાર્ય અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.