નીટ પેપર લીકના પ્રતિભાવમાં ચાલી રહેલા વિરોધનો અંત લાવતા, ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું. દરમિયાન, આંધ્રપ્રદેશના શિક્ષણ મંત્રી નારા લોકેશ પણ ટીકાનો સામનો કરી રહ્યા છે, અને રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ,વાયએસઆર કોંગ્રેસે તેમના રાજીનામાની માંગ કરી છે. તેમણે શિક્ષક ભરતી પરીક્ષામાં કૌભાંડનો પણ આરોપ લગાવ્યો છે અને સીબીઆઇ તપાસની માંગ કરી છે.વાયએસઆર કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી એ. સુરેશે કહ્યું કે ગઠબંધન સરકારે પરીક્ષાની પારદર્શિતા, ગુપ્તતા અને ગરિમા સાથે ચેડા કર્યા છે, જેનાથી આશરે ૩.૫ લાખ ઉમેદવારો પ્રભાવિત થયા છે.સુરેશે પ્રશ્ન કર્યો કે પ્રશ્નપત્ર તૈયાર કરવાની અને પછી તેનું સંચાલન કરવાની જવાબદારી એક જ એજન્સીને કેમ સોંપવામાં આવી. આનાથી પરીક્ષા સાથે સીધો ચેડા થયો, અને તેની વિશ્વસનીયતા હવે દાવ પર લાગી ગઈ છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પરીક્ષાના સંચાલનમાં સામેલ લોકોની નજીકના લોકોએ કેવી રીતે ઉચ્ચ હોદ્દો મેળવ્યો તે તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે પરીક્ષા કૌભાંડ સંબંધિત સેંકડો દસ્તાવેજા, વીડિયો અને ફોટોગ્રાફ્સ રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યા છે. આ ભરતી સંબંધિત અનેક કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. ભૂતપૂર્વ મંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભરતી પ્રક્રિયામાં રમતગમત ક્વોટાનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો ન હતો.
તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર ભરતી પરીક્ષા માટે મેરિટ અને રોસ્ટર યાદીઓ પ્રકાશિત કરવામાં નિષ્ફળ રહી છે, જે પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ દર્શાવે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પણ આ મુદ્દા પર અવાજ ઉઠાવી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે બધી સરકારોમાં જવાબદારી સ્થાપિત થવી જાઈએ. તેમણે કહ્યું કે નીટ વિવાદની જેમ અહીં પણ આવું જ થવું જાઈએ. જગને કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું છે અને આમ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. હવે, પ્રશ્ન એ છે કે શું આંધ્ર પ્રદેશના શિક્ષણ મંત્રી નારા લોકેશ પણ નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપશે. આ પરીક્ષા કૌભાંડથી ૩.૫ લાખ લોકો પ્રભાવિત થયા છે.રેડ્ડીએ કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ તેમના પુત્રનું રક્ષણ કરશે નહીંતર જવાબદારી નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અંગે પીએમ નરેન્દ્ર મોદીને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું છે. “અમે તેમના હસ્તક્ષેપ અને યોગ્ય તપાસની માંગ કરી છે.” વાયએસઆર કોંગ્રેસે ૨૮ જુલાઈથી આ મુદ્દા પર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. નારા લોકેશ રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના પુત્ર છે. તેમને પહેલીવાર સરકારનો ભાગ બનાવવામાં આવ્યા છે. ૨૮ જુલાઈએ રાજ્યભરમાં જિલ્લા અધિકારીઓના કાર્યાલયોનો ઘેરાવ કરવામાં આવશે.







































