સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જન જીવનને અસર થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સતત અવીરત વરસેલા વરસાદથી નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. તો ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ જેવા અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. સનખડા ગામનો મુખ્ય માર્ગ ધોવાઈ જતાં અને માલણ પાસે ખત્રીવાડાને જાડતો રસ્તો તૂટી પડતાં સનખડા અને ખત્રીવાડા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સલામતીના ભાગરૂપે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.
જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને અનાજને નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ રાહત કામગીરીમાં ઝડપ લાવવા અને કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભારે વરસાદને કારણે ધારપીપળા રોડ, ગાયત્રી સોસાયટી, માર્કેટિંગ યાર્ડ અને બસ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરી વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રાજુલા નજીકનો ધાતરવડી ડેમ-૨ ઓવરફ્લો થતાં તેના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે. તંત્રે ખાખબાઈ, હિંડોરણા, વડ સહિત નીચાણવાળા ૮થી વધુ ગામોને એલર્ટ પર રાખ્યા છે. ખાંભા-રાયડી ડેમમાં પણ પાણીની આવક વધતાં નદી કાંઠે વસતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ધાતરવડી ડેમ-૧ પણ ૭૦ ટકાથી વધુ ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક વધી છે. બીલા, ઉગલવાણ, થોરાળા, શાંતિનગર, કરજાળા અને તાતણીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદ અને ડેમોમાં સતત વધી રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને તંત્રે નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્્યતા વ્યક્ત કરવામાં આવી છે.