અમદાવાદ પ્લેન ક્રેશ માટે કોણ જવાબદાર ?
અમદાવાદ એરપોર્ટથી લંડન જતી ફ્‌લાઈટ તૂટી પડી એ દુર્ઘટનાને એક વર્ષ થઈ ગયું પણ હજુ આ સવાલનો જવાબ મળ્યો નથી. અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્‌લાઈટ બી ૭૮૭ ટેકઓફ કર્યાના થોડી મિનિટોમાં જ તૂટી પડી હતી. વિમાન રનવે ૨૩ પરથી બપોરે ૧ઃ૩૯ વાગ્યે ટેકઓફ થયું અને પાંચ મિનિટમાં જ ક્રેશ થઈને અમદાવાદના મેઘાણીનગરમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન તૂટી પડ્‌યું હતું. ટેક ઓફ થયાની માત્ર ૩૨ સેકન્ડમાં અને ૧.૭ કિલોમીટરની મુસાફરી પછી વિમાન ક્રેશ થયું ત્યારે તેમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો સહિત ૨૪૨ લોકો સવાર હતા. આ પૈકી ૨૪૧નાં મોત થયાં જ્યારે એક જ નસીબદાર પ્રવાસી બચી ગયા હતા.
આ નસીબદાર પ્રવાસીનું નામ વિશ્વાસકુમાર રમેશ છે.
જો કે યુકેના લેસ્ટરમાં રહેતા વિશ્વાસને નસીબદાર ગણવા કે કેમ એ સવાલ છે કેમ કે વિશ્વાસનો નાનો ભાઈ અજય એ જ ફ્‌લાઇટમાં થોડી સીટો દૂર બેઠો હતો અને અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. વિશ્વાસ સારવાર લીધા પછી લેસ્ટરમાં પોતાના ઘરે પાછા ફર્યો પણ શાંતિથી જીવી શકતો નથી. વિશ્વાસ કુમાર રમેશ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર PTSD થી પીડાઈ રહ્યા છે અને દુર્ઘટનાના વરસ પછી પણ પોતાનાં પત્ની અને ચાર વર્ષના પુત્ર સાથે વાત કરી શકતા નથી. બીજી પણ ઘણી માનસિક સમસ્યાઓ છે તેથી વિશ્વાસ કુમાર માટે જીંદગી પહેલાં જેવી નથી જ.
બીજા પરિવારો માટે તો સ્થિતી વધારે ખરાબ છે કેમ કે દુર્ઘટનનાના એક વરસ પછી પણ મૃતકોના પરિવારોને કળ વળી નથી. મૃતકોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. વિજયભાઈ દીકરીને ત્યાં રહેતાં પત્નીને લેવા લંડન જઈ રહ્યા હતા પણ અનંત યાત્રાએ ઉપડી ગયા. પ્લેન હોસ્ટેલ પર પડ્‌યું તેમાં મેડિકલ સ્ટુડન્ટ અને સ્ટાફ પણ માર્યો હતો અને એ લોકો તો વગર વાંકે મોતને ભેટ્યા. મૃતકોના પરિવારોને કંપની તરફથી વળતર મળ્યું જ્યારે વિમાનમાં નહોતા બેઠા છતાં ગુજરી ગયેલાં લોકોના પરિવારોની તો કોઈ કાળજી પણ નથી લઈ રહ્યું.

પ્લેન ક્રેશની તપાસ ક્યાં સુધી પહોંચી ?
મૃતકોના પરિવારોએ સહન કરવી પડતી અનેક પિડાઓ વચ્ચે સૌથી મોટી પિડા એ છે કે, મોતને ભેટનારાં લોકોના પરિવારોને પોતાનું સ્વજન કઈ રીતે ગુજરી ગયું તેની જ ખબર નથી. પ્લેન ક્રેશનાં કારણોની તપાસ ચાલી રહી છે પણ વરસ પછી પણ સાચું કારણ ખબર પડી નથી. દુર્ઘટનાના મહિના પછી એટલે કે જુલાઈમાં એરક્રાફ્‌ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા પ્રકાશિત કરાયેલા પ્રારંભિક અહેવાલમાં દાવો કરાયેલો કે ટેકઓફ પછી થોડી જ સેકન્ડોમાં બંને એન્જિનને ફ્યુઅલ પુરવઠો બંધ થઈ ગયો હતો તેથી પ્લેન તૂટી પડ્‌યું પણ વરસ પછી પણ ફ્યુઅલ પુરવઠો કેમ બંધ થઈ ગયેલો તેની તો ખબર પડી જ નથી.
ભારતના એરક્રાફ્‌ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) છેલ્લા એક વર્ષથી તપાસ કરે છે પણ હજુ અંતિમ રીપોર્ટ તૈયાર થતાં બે મહિના લાગશે એવું કહેવાય છે. માર્યા ગયેલા મુસાફરો અને ક્રૂમાંથી ૧૬૯ ભારતીય નાગરિકો અને ૫૨ બ્રિટિશ નાગરિકો હતા તેથી આ તપાસમાં યુકે પણ જોડાયું હતું. વિમાન અમેરિકન કંપનીનું હતું તેથી અમેરિકા પણ તપાસમાં જોડાયું હતું. ૧૯ લોકો જમીન પર માર્યા ગયા હતા અને એ બધા ભારતીયો હતા.
બ્રિટિશ એર એક્સિડન્ટ્‌સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે ચાર લોકોની ટીમ મોકલી હતી જ્યારે યુનાઇટેડ સ્ટેટ્‌સ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્‌ટી બોર્ડ (NTSB) એ તપાસમાં મદદ કરવા માટે ‘ગો ટીમ’ મોકલી હતી. પ્લેનનું એન્જિન બનાર જીઈ એરોસ્પેસે એક ટીમ મોકલીને કોકપીટ ડેટાનું વિશ્લેષણ કર્યું છતાં હજુ સુધી સાચું કારણ ખબર પડી નથી. કેન્દ્ર સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ સમાંતર તપાસ કરી છે પણ હજુ સુધી નથી રીપોર્ટ બહાર પાડ્‌યો કે નથી ક્રેશ થવા માટેનું કારણ જણાવ્યું. અત્યારે જાહેરાત કરાઈ છે કે, બે મહિનામાં દુર્ઘટનાનું કારણ બહાર પડાશે પણ અત્યાર સુધીનો અનુભવ જોતાં ખરેખર રીપોર્ટ બહાર પડશે અને સાચું કારણ જાણવા મળશે કે કેમ તેમાં શંકા છે.

પાયલોટે ઈરાદાપૂર્વક પ્લેન ક્રેશ કરેલું ?
એક થીયરી એવી પણ વહેતી થઈ છે કે, ફ્‌લાઇટના પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલે ઇરાદાપૂર્વક એરલાઇનરને ક્રેશ કર્યું હતું. ફ્‌લાઈટમાં બે પાયલોટમાંથી સભરવાલ સીનિયર હતા. એરક્રાફ્‌ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના રીપોર્ટે પ્રમાણે, ટેકઓફ પછી તરત જ બંને એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ‘રન’ થી ‘કટ-ઓફ’ સ્થિતિમાં આવી ગઈ હતી. તેના કારણે એન્જિનને ફ્યુઅલ મળવાનું બંધ થઈ જતાં વિમાન તૂટી પડ્‌યું.
વિમાનને મળતું ફ્યુઅલ કોણે બંધ કર્યું તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી મળતો પણ કોકપીટના ઓડિયો રેર્કોડિંગમાં એક પાઇલટ બીજાને પૂછે છે કે, ‘કટ-ઓફ’ કેમ કર્યું ? બીજો પાયલટ જવાબ આપે છે
કે, પોતે ફ્યુઅલ કટ ઓફ નથી કર્યું.
પાયલોટ વચ્ચેની આ વાતચીતને આધારે પાયલટે ઈરાદાપૂર્વક પ્લેન ક્રેશ કરેલું એવી થીયરી વહેતી કરી દેવાઈ પણ વાસ્તવમાં તપાસ કરનારાંને બંનેમાંથી ક્યો અવાજ ક્યા પાયલોટનો છે તેની જ ખબર નથી. આ સંજોગોમાં કેપ્ટન સભરવાલ પર કેમ શંકા કરાય છે એ સમજાતું નથી. ઉડાન વખતે સહ-પાયલોટ ક્લાઈવ કુંદર વિમાન ઉડાડી રહ્યા હતા જ્યારે કેપ્ટન સભરવાલ મોનિટરિંગ કરી રહ્યા હતા. આ સંજોગોમાં ફ્યુઅલ બંધ કરાયાની ખબર કેપ્ટન સભરવાલને પડી હોય ને તેમણે કેમ કટ ઓફ કરાયું એ સવાલ કર્યો હોઈ શકે છતાં અહીં તો કેપ્ટન સભરવાલને શંકાના દાયરામાં લાવી દેવાયા છે.
આ દાવા અમેરિકાની ન્યુઝ એજન્સી અને અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં કરાયેલા છે. અમેરિકાની બોઈંગ કંપનીને બચાવવા માટે આ પ્રકારની વાતો વહેતી કરાઈ હોવાનું મનાય છે. બોઈંગ કંપનીનો વાંક નિકળે તો એર ઈન્ડિયા તેની પાસે જંગી વળતર માગી શકે. અમેરિકાના કાયદા પ્રમાણે આ વળતર અબજો ડોલરનું હોઈ શકે તેથી વળતરથી બચવા કેપ્ટન સભરવાલને બલિનો બકરો બનાવવાનો દાવ ખેલાઈ રહ્યો છે. બાકી સભરવાલ માટે પ્લેન ક્રેશ કરવા માટે કોઈ કારણ નહોતું. કેપ્ટન સભરવાલ અપરિણિત હતા ને પિતા સાથે એકલા રહેતા હતા. તેમના પિતા પણ એવિએશન ઓફિસર હતા તેથી આર્થિક રીતે તકલીફ નહોતી એ જોતાં સભરવાલ કેમ પ્લેન ક્રેશ કરે ?

પ્લેન ક્રેશનું સાચું કારણ શું ?
વિમાનની ટેકનોલોજીના જાણકારોના મતે, વિમાન દુર્ઘટના માટે બોઆંગની ખામીપૂર્ણ ટેકનોલોજી જવાબદાર છે. નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે, આ ખામીના કારણે વિમાનના મુખ્ય ફ્‌લાઇટ કમ્પ્યુટર્સ ટેકઓફની સેકંડોમાં જ રીબૂટ થવા લાગ્યા હતા. મતલબ કે, ટેકઓફ થયું તેની સેકંડો પછી જ પ્લેનની મુખ્ય સિસ્ટમ કામ કરતી નહોતી. તેના કારણે વિમાનની સિસ્ટમોને થોડા સમય માટે એવું લાગ્યું કે, વિમાન ખરેખર જમીન પર છે પણ વાસ્તવમાં પ્લેન હવામાં હતું. સીક્યુરિટી સિસ્ટમે આ સ્થિતીને એન્જિન થ્રસ્ટ ડેન્જર લેવલ પર હોવાનું માનીને ફ્યુઅલ પુરવઠો કાપી નાખવાનો કમાન્ડ આપી દીધો. તેના કારણે ફ્યુઅલ મળતું બંધ થઈ ગયું અને પ્લેન ક્રેશ થઈ ગયું. એક પણ પાયલોટ કોકપીટમાં ફ્યુઅલ સ્વીચોને અડક્યા જ નહોતા પણ સીક્યુરિટી સિસ્ટમને કારણે ફ્યુઅલનો પુરવઠો બંધ થઈ ગયો.
આ થીયરી સાચી હોય તો બોઈંગ કંપની પર દોષારોપણ થાય કેમ કે પાયલોટે નહીં પણ બોઈંગની સિસ્ટમે ફ્યુઅલ બંધ કર્યું હોવાનુંં સાબિત થાય. બોઈંગ એવું બે કારણસર ના ઈચ્છે. પહેલું કારણ જંગી વળતર આપવું પડે ને બીજું કારણ એ કે, બોઈંગનાં વિમાનોની ખરીદીને ફટકો પડે. બોઈંગ કંપની પોતાના ધંધાને નુકસાન ના થાય એટલે અમેરિકાની સરકાર મારફતે ભારત પર દબાણ લાવીને કેપ્ટન પર દોષનો ટોપલો ઢોળી દેવા માટે મથતી હોય એ શક્ય છે.
sanjogpurti@gmail.com