ઉના પોલીસે મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવાની ઝુંબેશ હેઠળ બાઇક ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી ચોર ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી ચોરી કરેલા બાઇકના પાટ્ર્સ અલગ કરીને ભંગારમાં વેચી દેતી હતી. પોલીસ તપાસમાં એક સગીર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી કિરીટભાઈ બાલુભાઈ સોલંકી (રહે. નાઠેજ)ની શોધખોળ ચાલુ છે.નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના સુપરવિઝન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરીના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમે નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સની મદદથી આ સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન સીમર ગામના બાબા આશ્રમ પાસેથી ભરત કાળુ ચૌહાણ અને શકીલ હનીફ સરવૈયાને બાઇક સાથે ઝડપી પાડી પૂછપરછ કરાતાં ચોરીના ગુનાઓનો પર્દાફાશ થયો હતો.પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા ૪ બાઇક અને તેના પાટ્ર્સ કબજે કર્યા છે.









































