અમરેલી એસ.ટી. વિભાગ અને ખાસ કરીને રાજુલા તેમજ સાવરકુંડલા ડેપોનું તંત્ર સાવ ખાડે ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન એક તરફ ડીઝલ અને સમય બચાવવાની વાત કરે છે, ત્યારે અહીંના અધિકારીઓની અણઘડ વ્યવસ્થાને લીધે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.રાજુલાથી સાવરકુંડલા જવા માટે સવારે ૧૦ઃ૧૫ કલાકે બે બસો એકસાથે ઉપડે છે, ત્યારબાદ છેક બપોરે ૧૨ વાગ્યા સુધી કોઈ બસ મળતી નથી. આવી જ રીતે સાંજે ૫ઃ૧૫ કલાકે રાજકોટ અને અમરેલી તરફ જતી બે બસો એકસાથે રવાના થાય છે, જેના પછી રાત્રે આઠ વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાક સુધી કોઈ સુવિધા નથી.એક જ રૂટ પર સાથે બસો દોડાવવાને બદલે સમયમાં ફેરફાર કરાય તો મુસાફરોને સુવિધા મળે અને નિગમની આવક પણ વધે. ડ્રાઈવર-કંડક્ટરની અછતના બહાને તાજેતરમાં સવારે ૪ઃ૫૫ ની રાજુલા-ભાવનગર બસ પણ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ખરેખર વિભાગીય અધિકારીને રાજુલા ડેપો પ્રત્યે ઓરમાયુ વર્તન હોય તેવું જણાય આવે છે.