દેશના સૌથી મોટા સામાજિક સંગઠનોમાંના એક અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી છે. જૂન મહિનામાં માત્ર સાત દિવસના અંતરે દિલ્હીમાં બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યા છે, જેના કારણે કોળી સમાજમાં અસમંજસ અને રાજકીય ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, ૧૪મી જૂને કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં અધિવેશન અને ૨૧ જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં અધિવેશન યોજાવાનું છે. ચર્ચા તો એવી પણ છે કે, કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે કથિત કોલ્ડવોર ચાલી રહી છે. આ કથિત કોલ્ડવોરના ભાગરૂપે દિલ્હીમાં અધિવેશન બોલાવવામાં આવ્યું હોઈ શકે છે.
અખિલ ભારતીય કોળી સમાજના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ દ્વારા ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે. જાકે આ જાહેરાત બાદ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડીયા ખાતે અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત કરી છે. સમાજના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે, એક જ સંગઠનના નામે માત્ર એક સપ્તાહના અંતરે બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાશે.
કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દેશભરમાં અંદાજે ૨૫ કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા આવા હોદ્દેદારોને વિશેષ સન્માન અને પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. સાત દિવસના અંતરે બે-બે રાષ્ટ્રીય અધિવેશન યોજાવા સમાજ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાલમાં સામાન્ય સમાજ મૂંઝવણમાં છે કે કયા અધિવેશનમાં હાજરી આપવી અને કયા અધિવેશનથી દૂર રહેવું જાઈએ.
અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં હીરા સોલંકી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાથે જાવા મળ્યા છે. હીરા સોલંકી આ વીડિયોમાં જણાવે છે કે, તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે. ૨૧ તારીખના રોજ વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનને હીરા સોલંકીનો ટેકો હોવાની ચર્ચા થઈ રહી છે.
પ્રવીણ કોળીના જણાવ્યા મુજબ, અખિલ ભારતીય કોળી સમાજના વર્તમાન તેમજ પૂર્વ હોદ્દેદારોમાં ૮૦ ટકાથી વધુ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તેથી સંગઠનની અંદર ચાલી રહેલો વિવાદ માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય પરિબળો સાથે પણ જાડાયેલો હોવાનું માનવામાં આવે છે. આ લડાઈ સમાજના હિત માટે નહીં પરંતુ સમાજથી મોટું પોતાનું નેતૃત્વ કેવી રીતે સાબિત કરવું તે માટેની સ્પર્ધા બની ગઈ છે.
સમાજના આગેવાનોના મતે, એક તરફ ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં કોળી સમાજના લોકો સાથે થતા અન્યાય અને પ્રતાડનાના મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સમાજને વધુ મજબૂત અને સંગઠિત કરવાની જરૂર છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સમાજના બે ભાગ પડી રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. પ્રવીણ કોળીએ ગુજરાતના હોદ્દેદારો અને સમાજના સભ્યોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “સમાજની એકતા જળવાઈ રહે તે માટે બંનેમાંથી કોઈપણ અધિવેશનમાં હાજરી આપવી જાઈએ નહીં અને સૌએ સંગઠનને એક રાખવાના પ્રયાસો કરવા જાઈએ.”
ત્રણ વર્ષ પહેલાં કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. ત્યારબાદ સંગઠનમાં થયેલા ફેરફારો બાદ વિરેન્દ્ર કશ્યપને રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. જાકે આ બદલાવને કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યો ન હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે સમાધાન માટે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રયાસો થયા હતા. એક મહિના અગાઉ બંને નેતાઓ વચ્ચે સમાધાનલક્ષી બેઠક પણ યોજાઈ હતી. પરંતુ કોઈ નિષ્કર્ષ ન નીકળતાં અંતે કુંવરજી બાવળિયાએ અલગ અધિવેશન યોજવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
બે અલગ-અલગ અધિવેશનની જાહેરાત બાદ દેશભરના કોળી સમાજમાં મૂંઝવણનો માહોલ જાવા મળી રહ્યો છે. સમાજના અનેક આગેવાનો માને છે કે આ સ્થિતિ સંગઠનની એકતાને અસર કરી શકે છે. ૧૪ જૂને કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં યોજાનાર અધિવેશન અને ૨૧ જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં યોજાનાર અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો હાજરી આપે છે તેના પર સૌની નજર રહેશે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં એવી ચર્ચા છે કે બંને અધિવેશનો કોળી સમાજમાં ભવિષ્યના નેતૃત્વ અને સંગઠનની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાકે હાલની સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેશના કરોડો કોળી સમાજજનો એકતા તરફ આગળ વધશે કે પછી નેતૃત્વના વિવાદ વચ્ચે વધુ વિભાજનનો સામનો કરશે.









































