સાવરકુંડલાના હાથસણી રોડ સ્થિત ચંદ્રમૌલી સોસાયટીમાં શેરીમાં નીકળવાની બાબતે થયેલા મનદુઃખને લઈને મારામારીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દિલીપભાઈ ઉર્ફે ઘુઘો બાલકૃષ્ણભાઈ બોરીસાગર (ઉ.વ. ૪૦), રહે. ચંદ્રમૌલી સોસાયટી, સાવરકુંડલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે શેરીમાંથી પસાર થતા શશીકાંતભાઈ ગોવિંદભાઈ વાઘેલા અને દિવ્યાંગ ઉર્ફે રઘુ શશીકાંતભાઈ વાઘેલાને કામકાજ વગર શેરીમાં ન નીકળવા જણાવ્યું હતું. આ બાબતનું મનદુઃખ રાખી બંને આરોપીઓ ફરીયાદી પાસે આવી પહોંચ્યા હતા અને મોટરસાયકલના લીવર વાયર વડે શરીરના પાછળના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









































