વડિયાથી ઢૂંઢિયા પીપળીયા, વિસાવદર અને ચુડા સહિતના અનેક ગામોને જોડતા મુખ્ય માર્ગ બની રહેલા નવા પુલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપો ભાજપના જ આગેવાન રવજીભાઈ ચુડાસમાએ કર્યા છે. આ ઉપરાંત પુલની ધીમી કામગીરીને કારણે સ્થાનિકોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે. આશરે રૂ. ૬૦થી ૬૫ લાખના ખર્ચે બની રહેલો આ પુલ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો નમૂનો બની ગયો હોવાનું સ્થાનિક ભાજપના અગ્રણીઓ અને ગ્રામજનો કહે છે. તેમના જણાવ્યા અનુસાર, આ મુખ્ય માર્ગ પર પુલનું કામ છેલ્લા ૮ થી ૧૦ મહિનાથી ગોકળગતિએ ચાલી રહ્યું છે. ચોમાસું નજીક છે ત્યારે હજુ સુધી કામ પૂરું થયું નથી, જેને કારણે આગામી દિવસોમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવાની અને ચોમાસામાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાય તેવી પૂરેપૂરી સંભાવના છે. પુલના નિર્માણમાં એન્જિનિયરિંગના કોઈ પણ નીતિ-નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. પુલમાં ક્યાંય લેવલિંગ જોવા મળતું નથી અને આખા પુલ પર સિમેન્ટના થિંગડા મારીને કામ આટોપી લેવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ગામ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પુલ બનાવતી વખતે તેના પ્રથમ પાયાનું જરૂરી ખોદકામ જ કરવામાં આવ્યું નથી. પાયો ખોદ્યા વગર જ સીધું ચણતર કરી દેવાતા પુલ સામાન્ય કરતાં ઘણો ઊંચો બની ગયો છે. પહેલાં લોકો જે નીચા બેઠા કોઝવે પરથી સરળતાથી પસાર થતા હતા, હવે આ પુલ એટલો ઊંચો થઈ ગયો છે કે તેના પરથી વાહન લઈને પસાર થવું એટલે જાણે ‘સાંઢિયા’ (ઊંટ) પર સવારી કરવા બરાબર કપરા ચઢાણ જેવું થઈ ગયું છે. ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે, આ ભ્રષ્ટાચારયુક્ત અને જોખમી પુલને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે અને નિયમબધ્ધ રીતે નવેસરથી મજબૂત પુલનું નિર્માણ કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે કડક પગલાં લેવામાં નહીં આવે, યોગ્ય તપાસ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવવાની ફરજ પડશે









































