લાઠી તાલુકાના મતિરાળા ગામમાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક નવજાત બાળકની જન્મજાત ખામીની સફળ સર્જરી કરવામાં આવી છે. આ બાળકને જન્મથી જ બંને બાજુ હોઠ ફાટેલા અને તાળવામાં ચીરો હોવાનું નિદાન થયું હતું. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો અંદાજિત ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા જેટલો હોવાથી પરિવાર ખૂબ ચિંતિત હતો. આ દરમિયાન આરોગ્ય વિભાગને જાણ થતાં લાઠી તાલુકાના નોડલ મેડિકલ ઓફિસર ડો. હરિવદન પરમારે બાળકના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે તપાસ કરીને બાળકને વિનામૂલ્યે સુપર સ્પેશિયલિટી સારવાર માટે રાજકોટ મોકલવાની ભલામણ કરી હતી. રાજકોટ ખાતે આધુનિક પધ્ધતિથી બાળકની પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી જેનાથી બાળકની જન્મજાત ખામી દૂર થઈ છે.