ગુજરાત સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને લોકાભિમુખ બનાવવા માટે મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક સાથે એક મહત્વપૂર્ણ વ્યુહાત્મક કરાર કરવામાં આવ્યા છે. આ ગવર્નન્સ ઇનિશિયેટિવ અંતર્ગત જીએઆરસીની ભલામણોને આધારે રાજ્યના ૫ મુખ્ય સરકારી વિભાગોની અંદાજે ૨૦ જેટલી અગત્યની સેવાઓ માટે એક વિશેષ વોટ્સએપ ચેટ બોટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ડિજિટલ સેવાની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોએ અલગ-અલગ સરકારી વેબ પોર્ટલ પર જઈને ફોર્મ શોધવાની કે કચેરીઓમાં રૂબરૂ જવાની કોઈ જરૂર રહેશે નહીં. આ ચેટ બોટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કાર્યરત છે, જેથી સામાન્ય નાગરિક પણ તેને સરળતાથી સમજી શકે. માત્ર એક જ સત્તાવાર વોટ્સએપ નંબર પર મેસેજ કરીને નાગરિકો પોતાના સ્માર્ટફોન દ્વારા ઘરે બેઠા જ સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે.
સરકાર દ્વારા શરૂ કરાયેલા આ ચેટ બોટના માધ્યમથી મુખ્યત્વે નીચે મુજબની પાયાની સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે. જેમાં આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને (આર્થિક રીતે નબળા વર્ગો માટેનું) પ્રમાણપત્ર. જમીન સંબંધી દસ્તાવેજા જેવા કે સાત-બાર (૭/૧૨) અને આઠ-અ (૮-અ) ના ઉતારા. રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવું, નામ કમી કરવું અથવા કોઈપણ પ્રકારનો સુધારો કરવો. વિવિધ સરકારી યોજનાઓ કે કામકાજ માટે જરૂરી સત્તાવાર એફિડેવિટ (સોગંદનામા). સરકારી તંત્ર કે યોજનાઓ સામેની ફરિયાદોનું ઓનલાઇન નિવારણ અને સહાય. તમે કરેલી અરજી હાલ કયા સ્ટેજ પર પહોંચી છે અને ક્યારે મંજૂર થશે તેની લાઈવ માહિતી પણ વોટ્સએપ પર જ જાણી શકાશે.
ગુજરાત સરકારના આ પ્રશંસનીય પગલાથી વહીવટી તંત્રમાં પારદર્શિતા આવશે અને વચેટીયાઓની પ્રથા નાબૂદ થશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો, જેમને એક પ્રમાણપત્ર કઢાવવા માટે પોતાની રોજગારી બગાડીને કચેરીઓએ જવું પડતું હતું, તેમના સમય અને નાણાં બંનેની મોટી બચત થશે. સાચા અર્થમાં ‘ડીજીટલ ઈન્ડિયા’ અને ‘પ્રગતિશીલ ગુજરાત’ની દિશામાં આ એક મોટું અને નિર્ણાયક કદમ સાબિત થશે.








































