અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાસે જ્યાં પ્લેન ક્રેશ થયું હતુ ત્યાં હવે નવું બાંધકામ બંધાશે. આરોગ્ય વિભાગે નવા સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ તથા મેસના બાંધકામને મંજૂરી આપી દીધી છે. ૫૧ કરોડથી વધુના પ્રોજેક્ટમાં ૩૪ કરોડની રકમ મંજૂર રાયા છે. સાથે જ નવા મકાનના બાંધકામની મંજુરી સાથે વિસ્તૃત નિયમો પણ જાહેર કર્યા છે.
એર ઇન્ડિયાનું પ્લેન એક વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલના બોયઝ હોસ્ટેલની ઈમારત પર ક્રેશ થયું હતું. ત્યારે એક વર્ષમાં જ અહીં સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસના નવા મકાનના નવા બાંધકામને મંજૂરી મળી ગઈ છે. આરોગ્ય વિભાગે નવા સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ તથા મેસના બાંધકામને લીલીઝંડી આપી છે. આરોગ્ય વિભાગે ૫૧ કરોડ થી વધુના પ્રોજેક્ટમાં ૩૪ કરોડ ની રકમ મંજૂર કરી છે. નવા મકાનના બાંધકામની મંજુરી સાથે વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે. આરોગ્ય વિભાગમાં થયેલી દરખાસ્તને મંજૂરી અપાતા હવે આગળની કાર્યવાહી શરૂ થશે. આ સાથે જ કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે, જે અંગે પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લેન ક્રેશના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ સુપર સ્પેશીયાલીટી હોસ્ટેલ બ્લોક અને મેસનાં મકાનોની અવેજીમાં સુપર સ્પેશીયાલીટી હોસ્ટેલ અને મેસના નવા મકાનનું બાંધકામ કરવા બાબતની રૂ.૩૪.૬૫ કરોડની જોગવાઇને વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના અંદાજપત્રના પ્રકાશનના પાના નં.૩૨૫ના ક્રમ ૧માં સમાવેશ કરવામાં આવેલ છે.જે અન્વયે વંચાણે લીધેલ કમિશનર, આરોગ્ય(અર્બન), ગાંધીનગરની તા.૦૯/૦૪/૨૦૨૬ની રૂ.૩૪.૬૫ કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવા માટે કરેલ દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે, કમિશનર, આરોગ્ય(અર્બન), ગાંધીનગરની તા.૦૯/૦૪/૨૦૨૬ની દરખાસ્ત અન્વયે, વર્ષ-૨૦૨૬-૨૦૨૭ ની અંદાજપત્રીય જોગવાઈમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લેન ક્રેશના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ સુપર સ્પેશીયાલીટી હોસ્ટેલ બ્લોક અને મેસનાં મકાનોની અવેજીમાં સુપર સ્પેશીયાલીટી હોસ્ટેલ અને મેસના નવા મકાનનું બાંધકામ કરવાની કુલ પ્રોજેક્ટ કોસ્ટ રૂ.૫૧.૮૪ કરોડ પૈકી વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૪.૬૫ કરોડની નવી બાબતને નીચેની શરતોને આધીન આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
નવા મકાનોના બાંધકામ મંજુર કરવા અંગેની શરતોઃ ૧. બાંધકામના કામોની દરખાસ્તોની મંજૂરી માટે વિભાગે તાતકાલીન પ્રવર્તમાન એસ ઓ આર મુજબ નકશા-અંદાજા તૈયાર કરી સક્ષમ સત્તાધિકારીની તાંત્રિક મંજૂરી મેળવવાની રહેશે. સદર બાંધકામ અંગેની ટાઈપ ડીઝાઈન માર્ગ અને મકાન વિભાગ પાસેથી અથવા નિયત થયેલ સંસ્થા પાસેથી તૈયાર કરવાની રહેશે. ૨. બાંધકામના કામોમાં પીડબ્લ્યુડી મેન્યુઅલની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. ૩. આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરીયાત હોય તેવા સંજાગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ સત્વરે પૂર્ણ કરાવી લેવાની રહેશે અને જમીન સંપાદન અંગેની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ વર્ક ઓર્ડર આપવાના રહેશે. ૪. રેલ્વે, વન અને પર્યાવરણ વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી કે જમીન સંપાદનની આવશ્યકતા જણાતી હોય તો આવી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે. આવા જરૂરી કલીયરન્સ મેળવવામાં જા વિલંબ થવાનું જણાય તો વર્કઓર્ડર આપતાં પહેલાં જરૂરી ચોકસાઈ કરી લેવાની રહેશે.૫. જમીન સંપાદન/ પુનઃ સ્થાપન કે પુનઃ વસન વિ. કામગીરી પ્રોજેક્ટની સમયમર્યાદાને અસર ન કરે તે રીતે પૂર્ણ કરવાના રહેશે.







































