રાજ્યની મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. જે અંતર્ગત આજે (૨૬ મે) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામી અઢી વર્ષ માટેના પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટની નિમણૂંક કરાઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીખે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની નિમણૂંક કરાઈ છે.હિતેશ બારોટ ભાજપના થલતેજ વોર્ડના કોર્પોરેટર છે. તેઓ ૧૯૮૬થી ભાજપમાં સક્રિય છે. ટૂંકમાં તેઓ શાસક પક્ષની વિચારધારાને પહેલેથી જ વરેલા છે. તેઓ ૧૯૮૭થી ૧૯૯૭માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય રીતે કામ કરી ચૂક્યા છે અને ભાજપમાં સંગઠન ધોરણે કામ કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. તેમની સંગઠનાત્મક કુનેહ જોઈને ૧૯૮૮માં થલતેજ ગ્રામ્ય મંડળના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવ્યા પછી ૧૯૮૯થી ૧૯૯૭ સુધી તેમણે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ૧૮ ગામ બક્ષીપંચની જવાબદારી સંભાળી હતી. ૨૦૦૧થી ૨૦૦૫ સુધી તે બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ હતા. ૨૦૧૦માં તે અમદાવાદ (એપીએમસી)ના વાઇસ ચેરમેન બન્યા હતા. તેના પછી ૨૦૧૨માં તેમની એડીસી બેન્કના ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ હતી. ૨૦૧૪માં તે એડીસી બેન્કમાં ડિરેક્ટર બન્યા હતા.
આમ તેમણે આરએસએસ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યુ હતુ. એપીએમસીમાં ડિરેક્ટર તરીકેની તેમની કામગીરીને આજે પણ લોકો યાદ કરે છે. ૨૦૧૪માં તે ગાંધીનગર લોકસભામાં બક્ષી પંચના ઇન્ચાર્જ બન્યા હતા. ૨૦૧૩થી ૨૦૧૭ તે પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ડિરેક્ટર બન્યા હતા. ૨૦૧૭માં તે ગુજકોમાસોલના ડિરેક્ટર બન્યા હતા. ૨૦૧૮માં તે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર બન્યા હતા. ૨૦૨૧માં તે થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે પહેલી વખત ચૂંટાયા હતા.
તેમની કામગીરીનો બહોળો અનુભવ જોતાં તેમને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા. તેમની આ કામગીરી એટલી સફળતાપૂર્વક નીભાવી છે કે કોર્પોરેટર તરીકેની બીજી ટર્મમાં અમદાવાદના મેયર બનાવાયા છે. અમદાવાદ જેવા શહેરની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હોવા છતાં પણ તેમની રાજકીય કારકિર્દી નિર્વિવાદ રહી હતી તે વાત પક્ષના હાઈકમાન્ડને સ્પર્શી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેયરના શિરે અમદાવાદના નવા બોર્ડ સામે હવે શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા, ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને ટ્રાફિક-પા‹કગ જેવી પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાનો મોટો પડકાર રહેશે. નવા ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ આગામી અઢી વર્ષ સુધી અમદાવાદીઓની સેવા અને મનપાના વહીવટની કમાન સંભાળશે.








































