શહેરમાં વધુ એક હત્યાની ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરમાં ૩૩ વર્ષીય યુવક અમર પંજવાણીની અજાણ્યા શખ્સે ચપ્પુના ઘા મારી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, જ્યારે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, મૃતક અમર પંજવાણી સુરતમાં ગેરેજ ચલાવતો હતો અને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. મહેનત મજૂરી કરીને પરિવારને સંભાળતા અમરના મોતથી પરિવાર સંપૂર્ણપણે તૂટી પડ્યો છે. પરિવારમાં હવે માત્ર વૃદ્ધ માતા અને એક ભાઈ જ બચ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર અમર પર અજાણ્યા શખ્સે અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરે ચપ્પુ વડે વારંવાર ઘા ઝીંકતા અમર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ઈજાગ્રસ્ત હાલતમાં અમરને સારવાર માટે ખસેડવાના પ્રયાસો થયા હોવાની માહિતી સામે આવી રહી છે, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. હત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ હાલમાં બે મુખ્ય એગલ પરથી તપાસ આગળ ધપાવી રહી છે. પ્રથમ, લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો કે કેમ તેની તપાસ થઈ રહી છે. બીજી તરફ જૂની અદાવત, અંગત વેરઝેર અથવા અન્ય કોઈ વિવાદ હત્યા પાછળ જવાબદાર તો નથી ને તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સુરત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક લોકોના નિવેદનો તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસો તેજ બનાવાયા છે. પોલીસે અજાણ્યા હુમલાખોર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હત્યારાને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ વિસ્તારમાં રહેવાસીઓમાં ભયનો માહોલ જાવા મળી રહ્યો છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આરોપીઓને ઝડપથી પકડી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો યુવક હવે પરિવાર વચ્ચે નથી રહ્યો, ત્યારે વૃદ્ધ માતા અને ભાઈ માટે આ આઘાત અસહ્ય બન્યો છે







































