જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેનો એક કુટુંબિક વિવાદ હિંસક બની ગયો હોવાની ઘટના સામે આવી છે. પત્ની પર પતિની હત્યાનું કાવતરું રચવાની શંકા વ્યક્ત થયા બાદ બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ ૪૦ વર્ષીય બીપીનભાઈ મારખીભાઈ કરમુર, જે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને ગોકુલનગરના સરદારનગર શેરી નં. ૧ વિસ્તારમાં રહે છે તેમણે શહેરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની ભાનુબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ ૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ બીપીનભાઈ પોતાના દીકરાને મળવા માટે પત્ની ભાનુબેનના ઘરે ગયા હતા. મુલાકાત દરમિયાન તેમને એવી શંકાસ્પદ વાત સાંભળવા મળી કે તેમની પત્ની કોઈ અજાણ્યા વ્યક્તીસાથે ફોન પર વાતચીત કરી રહી હતી અને તેમાં તેમને નુકસાન પહોંચાડવાની ચર્ચા થઈ રહી હતી.
આ વાત સાંભળતાં જ બીપીનભાઈએ પુરાવા તરીકે પત્ની પાસે તેનો મોબાઈલ ફોન જાવા માંગ્યો હતો. પરંતુ ભાનુબેનએ ફોન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ ઇનકાર પછી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને પરિસ્થીતિ ઝડપથી તણાવભરી બની ગઈ હતી.
ફરિયાદ મુજબ મોબાઈલમાં રહેલી વાત બહાર આવી જશે તેવી આશંકાથી ભાનુબેન ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ તેમણે ઘરમાં પડેલું ક્રિકેટનું બેટ હાથમાં લઈ પતિ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બીપીનભાઈને ડાબા હાથ સહિત શરીરના અનેક ભાગે ઈજાઓ પહોંચી હતી. જણાવવામાં આવે છે કે તેમને કુલ પાંચથી છ જેટલા ઘા વાગ્યા હતા.આ ઘટનાની વચ્ચે ભાનુબેનએ બીપીનભાઈને ગાળો આપી અને ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ ફરિયાદમાં મૂકવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં બીપીનભાઈએ બાદમાં પોલીસનો સંપર્ક કર્યો હતો.








































