વડિયામાં જર્જરિત સરકારી પશુદવાખાનાને કારણે સ્થાનિક રહીશો અને માસૂમ બાળકોના માથે મોટું જોખમ તોળાઈ રહ્યું છે, જે અંગે તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી છે. કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી આ સરકારી ઇમારત હાલ તદ્દન બિસ્માર અને ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પશુદવાખાનાની બિલકુલ બાજુમાં જ બે આંગણવાડીઓ આવેલી છે, જ્યાં રોજ નાના બાળકો આવે છે. ઉપરાંત, અહીં રામજીમંદિર અને પંચાયતનો રસ્તો હોવાથી લોકોની સતત અવરજવર રહે છે.
દીવાલોમાં ગાબડાં અને તૂટેલી છતને કારણે આ ઇમારત ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે, ખાસ કરીને ચોમાસામાં અકસ્માતનો ભય વધી ગયો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય હોવાથી વાલીઓમાં ભારે રોષ છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં આ જોખમી ઇમારતનું તાત્કાલિક ડિમોલિશન કરી જગ્યા સુરક્ષિત કરવામાં આવે.








































