દેશભરમાં અત્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ઓબીસી (ઓબીસી) સમાજને રાજનીતિમાં પ્રાધાન્ય આપવાનો મુદ્દો ગરમાયો છે, ત્યારે જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકામાં ભાજપે આ દિશામાં એક ઐતિહાસિક શરૂઆત કરી છે. કેશોદ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બંને મહત્વના પદો પર ઓબીસી સમાજમાંથી આવતી બે મહિલા નગરસેવિકાઓની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે પ્રજાપતિ સમાજના પ્રતીક્ષાબેન દેવળીયા અને ઉપપ્રમુખ તરીકે આહીર સમાજના ચંદ્રિકાબેન ભોપાળાની પસંદગી કરી છે.
જૂનાગઢ જિલ્લાની એકમાત્ર કેશોદ નગરપાલિકામાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે. ૧૯ તારીખે બપોર બાદ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન દેવળીયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાળાની પસંદગી થઈ છે. કેશોદ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર બે મહિલા નગરસેવકોની નિમણૂક થવાની સાથે પ્રથમ વખત મહત્વના આ બંને પદ પર ઓબીસી સમાજના ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે.
વર્તમાન રાજકીય પરિપેક્ષમાં સત્તા પક્ષ અને વિપક્ષ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ આપવાની વાત કરી રહી છે તેની વચ્ચે આજે જુનાગઢ જિલ્લામાં પ્રથમ વખત ભાજપે ઓબીસી સમાજના બંને નગરસેવિકાઓને મહત્વના પદ પર નિમણૂક આપીને આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાનું રાજકારણ ઓબીસી સમાજ પ્રત્યે સૌથી વધારે અસરકારક અને અગ્રેસીવ હશે તેનો અણસાર કેશોદ નગરપાલિકા ના સત્તાધીશોને પસંદ કરીને ભાજપે આપ્યો છે.
કેશોદ નગરપાલિકાના પાછલા ઇતિહાસ પર નજર કરીએ તો ૨૫ વર્ષથી કેશોદ નગરપાલિકાના નવ વોર્ડ પૈકી એક નંબરના વોર્ડમાંથી અત્યાર સુધી પ્રમુખો બનતા આવ્યા છે જેમાં સૌથી વધારે સમય એટલે કે ૨૦ વર્ષ સુધી એમ.ડી પટેલ પ્રમુખ તરીકે રહ્યા છે. આ સિવાય યોગેશ સાવલિયા, મેહુલ ગોંડલીયા, લાભુબેન પીપળીયા, રામજી સાવલિયા અને કાંતિ વણપરીયા આ તમામ નગરસેવકો વોર્ડ નંબર ૦૧માંથી ચૂંટણી જીતીને કેશોદ નગરપાલિકાના પ્રમુખ પદે પહોંચી ચૂક્્યા છે, જેમાં એમ.ડી પટેલ ૨૦ વર્ષ અને લાભુબેન પીપળીયા પાંચ વર્ષ સુધી બે અલગ અલગ ટર્મમાં પ્રમુખ તરીકે કેશોદ નગરપાલિકાનું સત્તાનું સુકાન સંભાળી ચૂક્્યા છે. આ વખતે પહેલી વખત વોર્ડ નંબર ૬માંથી પ્રથમ વખત ચૂંટણી લડી અને ભાજપના કોર્પોરેટર બનેલા પ્રતીક્ષાબેન દેવડીયા પ્રમુખ પદે ચૂંટાયા હતા.
કેશોદ નગરપાલિકાના પ્રમુખ જે ચેમ્બરમાં બેસે છે ત્યાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ કેશુભાઈ પટેલની તસ્વીર પ્રમુખની બેઠકની બિલકુલ ઉપર લગાવવામાં આવી છે જે પણ ખૂબ જ સૂચક માનવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રમુખ કે ઉપપ્રમુખ ની સાથે કોઈ પણ સહકારી કે સરકારી સંસ્થામાં જે હોદ્દેદારો બેસે છે તે ચેમ્બરમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યપ્રધાન અને જે તે પાર્ટીના રાષ્ટÙીય અને પ્રદેશ અધ્યક્ષની તસ્વીરો સામાન્ય રીતે લગાવવામાં આવતી હોય છે. મોટા ભાગના નેતાઓ ગાંધીજી, સરદાર પટેલ, ડો.બી આર આંબેડકરની તસવીરો પણ પોતાની ચેમ્બરમાં લગાવતા હોય છે, કેશોદ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં કેશુભાઈ પટેલની તસવીરને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આગામી દિવસો માં જૂનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લાની ૯ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પણ યોજાનાર છે જેમાં પણ ઓબીસી સમાજને મહત્વનું પદ અને સૌથી વધારે પ્રતિનિધિત્વ મળે તેવી પણ પૂરી શક્યતા છે.









































