જસદણથી કાસકોલીયા રોડ પર આવેલા વાંકીયા ગામની સુખપર ચોકડી પાસે એક બેફામ ઝડપે આવતી બોલેરો ગાડીના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા વૃધ્ધ અને તેમની સાથે બેઠેલા તેમના માસૂમ પૌત્રને શરીરે નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે જેસાભાઇ આંબાભાઇ જાપડીયા (ઉ.વ.૬૧)એ બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેમના પૌત્રને મોટરસાયકલ પર બેસાડીને જસદણથી કાસકોલીયા જવા નીકળ્યા હતા. તેઓ મુસાફરી દરમિયાન વાંકીયા ગામે સુખપર ચોકડી પાસે આવેલા એક ગેરેજ સામે પહોંચ્યા, ત્યારે જ સામેથી આવતી બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ધડાકાભેર ભટકાવ્યું હતું. આ અકસ્માત એટલો જોરદાર હતો કે દાદા અને પૌત્ર બંને રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જનાર બોલેરો ચાલક પકડાઈ જવાની બીકે પોતાની ગાડી ઘટનાસ્થળે જ છોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.આર.દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.









































