બગસરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ટ્રાફિક નિયમન અંતર્ગત વાહન ચેકિંગ કરી રહેલા ઓન-ડ્યુટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સાથે બે શખ્સોએ ઉદ્ધત વર્તન કરી, ઝપાઝપી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરી હતી.આ અંગે પીએસઆઈ કમલેશદાન ગુલાબદાન મયા (ઉ.વ. ૫૧) એ જલદીપભાઇ શૈલેષભાઇ ધાંધીયા તથા તેજસ ઉર્ફે ભુરો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પીએસઆઈ જ્યારે કાયદેસરની વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે જલદીપ શૈલેષભાઇ ધાંધીયા નામનો એક શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પીએસઆઈએ તેને રોકીને મોટરસાયકલની નંબર પ્લેટ, પી.યુ.સી. અને ડ્રાઇવિંગ લાયસન્સની માંગણી કરતા જ ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ઉદ્ધતાઈપૂર્વક કહ્યું હતું કે, ‘મારું નામ જલદીપ શૈલેષભાઇ ધાંધીયા છે, હું શું કામ તને લાયસન્સ બતાવું?’ તેમ કહી જાહેરમાં અભદ્ર ભાષામાં ગાળો બોલી પીએસઆઈનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું.આ બોલાચાલી દરમિયાન નજીકમાંથી જ તેજસ ઉર્ફે ભુરો નામનો અન્ય એક શખ્સ ત્યાં દોડી આવ્યો હતો અને ‘આ જલદીપ મારો ભાઈ છે, તમે તેને કેમ રોકો છો?’ તેમ કહી પીએસઆઈ પર હુમલો કરી દીધો હતો. તેજસ ઉર્ફે ભુરાએ સરકારી કર્મચારીનો કાઠલો પકડીને તેમની સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. આ અફરાતફરીનો લાભ ઉઠાવીને પહેલો આરોપી જલદીપ ઘટનાસ્થળેથી પોતાની બાઇક લઈને નાસી છૂટ્યો હતો.આરોપી જલદીપ ધાંધીયા નાસી ગયા બાદ પણ બીજા આરોપી તેજસ ઉર્ફે ભુરાએ પીએસઆઈ સાથેની ઝપાઝપી ચાલુ રાખી હતી અને જાહેરમાં ધમકી આપી હતી કે, ‘હવે તમે કેવી રીતે બગસરામાં નોકરી કરો છો તે હું જોઈ લઈશ, તમારા પટ્ટા અને ટોપી ઉતારી નાખીશ.’આમ, બંને આરોપીઓએ ભેગા મળીને એક રાજ્યસેવકને તેમની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી. કે. ગોલવેલકર વધુ તપાસ કરી રહ્યા છે.









































