બગસરા પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીનો વહીવટ તદ્દન ખાડે ગયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. શહેરના અશોક સોસાયટી, તિરુપતિ નગર અને અમરપરા સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી વીજ લોડની અનિયમિતતાથી રહીશો પરેશાન છે. અનેક લેખિત રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતાં ગ્રાહકોમાં ભારે રોષ છે. આ કથળેલી સ્થિતિ વચ્ચે તંત્રની જોહુકમી પણ સામે આવી છે. તાજેતરમાં જ વીજ સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા સિનિયર સિટીઝન રાઘવભાઈ સુરાણીની અરજી સ્વીકારવાનો કર્મચારી તળાવિયાએ ઇનકાર કર્યો હતો અને તેમની સાથે અપમાનજનક તેમજ ઉદ્ધત વર્તન કર્યું હતું. આ અણછાજતા વર્તનથી વ્યથિત થઈ પ્રૌઢે ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છે. સ્થાનિકોએ વીજ પુરવઠો નિયમિત કરવા અને ગેરવર્તણૂક કરનાર કર્મચારી સામે કડક પગલાં ભરવા ઉગ્ર માંગ કરી છે.








































