શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વધતા હુમલા, જૂની અદાવત અને રસ્તા પર ખુલ્લેઆમ થતી હિંસાની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. એક તરફ કૈલાસનગર વિસ્તારમાં યુવક પર થયેલા હુમલાના કેસમાં ઉધના પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને કલાકોમાં જ પકડી પાડ્યા છે, તો બીજી તરફ શહેર ફરી એક વખત હત્યાની સનસનાટીભરી ઘટનાથી હચમચી ઊઠ્યું છે. રોડ નંબર ૬ વિસ્તારમાં યુવક જય દલાલની જોહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, કૈલાસનગર વિસ્તારમાં રાહુલ નામના યુવક પર હુમલાની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઇજોગ્રસ્ત બનેલા રાહુલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જોણ થતાં જ ઉધના પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને મળેલી બાતમી, ટેકનીકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ કેસમાં ધનંજય બોજું પાટીલ અને પ્રેમ ઉર્ફે અપ્પુ ગોવિંદભાઈ ચિતેની ધરપકડ કરી હોવાનું જોહેર કર્યું છે. ઘટનાને પગલે કૈલાસનગર વિસ્તારમાં થોડા સમય માટે તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે પોલીસની સમયસર કાર્યવાહીથી સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. હુમલાનું સાચું કારણ શું હતું અને પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે મુદ્દે તપાસ હજુ ચાલુ છે.આ દરમિયાન સુરતમાં વધુ એક ગંભીર ઘટના સામે આવી જેમાં જૂની અદાવતના કારણે એક યુવકને જીવ ગુમાવવો પડ્યો. મૃતકની ઓળખ જય નગીનભાઈ દલાલ તરીકે થઈ છે. માહિતી અનુસાર મધ્યરાત્રિ દરમિયાન આશરે ૧૨ઃ૩૦ વાગ્યાના સમયે જય દલાલ રોડ નંબર ૬ વિસ્તારમાં આવેલી ભંગારની દુકાન નજીક પોતાના મિત્રો સાથે ઊભો હતો. વાતચીત દરમિયાન અચાનક ટુ-વ્હીલર પર ત્રણ વ્યક્તિઓ સ્થળે આવી પહોંચ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વાહન પરથી ઉતર્યા બાદ હુમલાખોરોએ કોઈ બોલાચાલી કર્યા વગર સીધો જય દલાલ પર હુમલો શરૂ કર્યો હતો. તેમની પાસે તીક્ષ્ણ હથિયારો હતા અને તેમણે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો અચાનક અને ઝડપી હતો કે આસપાસ ઊભેલા લોકો કંઈ સમજી શકે તે પહેલાં જ જય લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. હુમલાખોરો ઘટનાને અંજોમ આપી તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ગંભીર ઇજોગ્રસ્ત હાલતમાં જય દલાલને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોએ તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ વધુ પડતું લોહી વહી જવું અને ગંભીર ઈજોઓને કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જયના મોતના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હોસ્પિટલ બહાર શોક અને આક્રોશ બંનેનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક વિગતો અનુસાર આ હત્યાની પાછળ લગભગ ત્રણ મહિના જૂનો વિવાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જય દલાલ અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ મુદ્દે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે સમયે થયેલી અદાવત આરોપીઓએ મનમાં રાખી હતી અને યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા. પોલીસ માને છે કે અગાઉ થયેલા ઝઘડાનો બદલો લેવા માટે જ હુમલાની પૂર્વ યોજના બનાવવામાં આવી હતી અને ત્યારબાદ આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર સામે અગાઉ પણ કડક કાર્યવાહી થઈ ચૂકી છે. પોલીસ સૂત્રો અનુસાર ચાલુ વર્ષ દરમિયાન તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે આરોપીના ગુનાહિત બેકગ્રાઉન્ડની પણ ફરી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ મામલે માત્ર હત્યાની તપાસ જ નહીં, પરંતુ આરોપીઓના જૂના કેસો, તેમના સંપર્કો અને અગાઉના વિવાદોની પણ માહિતી એકત્ર કરી રહી છે.
પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને ટેકનીકલ પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરી લીધી છે. હત્યા કેસમાં નીચેના ત્રણ આરોપીઓના નામ સામે આવ્યા છેઃ કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ, અને મિલિંદ કોળી હાલ ત્રણેય આરોપીઓ ફરાર હોવાનું જોણવા મળ્યું છે. તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓ શહેર બહાર ભાગી ગયા હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. સુરતમાં છેલ્લા થોડા સમયથી હુમલા, જૂની અદાવત અને જીવલેણ ઝઘડાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. કૈલાસનગર હુમલા કેસમાં ઝડપી ધરપકડ બાદ પોલીસને સફળતા મળી હતી, પરંતુ જય દલાલ હત્યા કેસે ફરી કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે કે વ્યક્તિગત અદાવતો હવે જોહેર માર્ગો પર ખૂની સ્વરૂપ ધારણ કરી રહી છે. હાલ પોલીસ બંને ઘટનાઓને ગંભીરતાથી લઈ તપાસ આગળ વધારી રહી છે અને ફરાર આરોપીઓની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.








































