યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ચલાલા દ્વારા તાજેતરમાં ૨૯૦મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં કુલ ૧૫૦ દર્દીઓએ લાભ લીધો હતો. સંત ડા. રતિદાદાના આશીર્વાદથી શરૂ થયેલા આ કેમ્પમાં સ્વ. જનકભાઈ અને સ્વ. કુશલ રાજાની સ્મૃતિમાં યુ.કે. સ્થિત દાતાઓના આર્થિક સહયોગથી આંખના દર્દીઓની તપાસ કરાઈ હતી. તેમાંથી ૨૨ દર્દીઓને રાજકોટની રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઈ જઈ ફેકોમશીનથી વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને સરકારી દવાખાનાઓનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો. આ ઉપરાંત, ડા. ઈશાબેને દાંતની સારવાર અને ડા. પ્રકાશભાઈએ આયુર્વેદિક સારવાર તથા દવાઓ વિનામૂલ્યે પૂરી પાડી હતી. કેમ્પ દરમિયાન દર્દીઓને વ્યસનમુક્તિ અને સદાચારનો પ્રેરક સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર લોકકલ્યાણના આયોજનને સફળ બનાવવા મહેશભાઈ, મંજુબા અને શીતલબેન સહિતના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.








































