મોરબીમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જે પિતા પોતાની દીકરીની સુરક્ષા અને સંભાળ માટે ઓળખાય છે, તે જ પિતા પોતાની સગીર દીકરીનો સોદાગર બની ગયો હોવાનો ખુલાસો થતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાએ માત્ર કાયદો અને વ્યવસ્થાને નહીં પરંતુ સમાજના પવિત્ર સંબંધોને પણ સવાલો સામે ઉભા કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, મોરબીના શહેરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવારની સગીર દીકરી પર તેના જ મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. શરૂઆતમાં આ મામલો માત્ર મકાન માલિકની હેવાનિયત સુધી સીમિત હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ શરૂ કરી ત્યારે સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે સગીરાના પિતાએ જ મકાન માલિકને પોતાની દીકરી સાથે કુકર્મ કરવાની મંજૂરી આપી હતી. આ વાત બહાર આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મકાન માલિક સગીરાના ભોળપણ અને નાની ઉંમરનો લાભ ઉઠાવી લાંબા સમયથી તેનું યૌન શોષણ કરતો હતો. સગીરાને સતત ડર અને દબાણ હેઠળ રાખવામાં આવતી હતી. જોકે જ્યારે આ સમગ્ર મામલાની જાણ પરિવારના અન્ય સભ્યોને થઈ ત્યારે તેઓએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં મામલો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો અને પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસમાં પોલીસે મકાન માલિક અને અન્ય શખ્સો સામે દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ વિવિધ ગંભીર કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા સગીરાને નરાધમના હવાલે કરનાર સગા પિતાની ધરપકડ કરી લીધી છે. સાથે જ મકાન માલિકને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન એક ત્રીજા વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે, જે આ સમગ્ર ગુનામાં મદદગારી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ આ આરોપી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ કરી રહી છે.
આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે. લોકોમાં ભારે ગુસ્સો જાવા મળી રહ્યો છે કારણ કે પિતા અને પુત્રીનો સંબંધ સમાજમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. પરંતુ અહીં એક પિતાએ જ પોતાની દીકરીની જિંદગી સાથે ખેલ કર્યો હોવાનો આરોપ સામે આવતા લોકો આ ઘટનાની કડક નિંદા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જાઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે.
હાલ પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સગીરાને જરૂરી કાઉન્સેલિંગ અને સુરક્ષા આપવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ભોગ બનનાર સગીરાને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે તમામ કાનૂનીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે, જે બતાવે છે કે બાળકોની સુરક્ષા માટે પરિવાર અને સમાજ બંનેએ વધુ સજાગ બનવાની જરૂર છે.








































