અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ-અલગ ત્રણ કિસ્સાઓમાં રેસ્ટોરન્ટ માલિક, જૂના વાહનોના લે-વેચ કરનાર અને મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.અમરેલીમાં એક રેસ્ટોરન્ટ માલિકે પોતાના ત્યાં માસિક રૂ. ૧૨,૦૦૦ના પગારથી પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખ્યા હતા. નિયમ મુજબ આ શ્રમિકોની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવી અનિવાર્ય હોવા છતાં, માલિકે પોલીસને જાણ ન કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો.બાબરાના આસરાનગર વિસ્તારમાં જૂના વાહનોના લે-વેચનો વ્યવસાય કરતા નુરમહમદભાઈ પરમાર (૪૬) વાહનોની લે-વેચનું રજિસ્ટર નિભાવતા ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત, બાબરાના જ વિમલ ધંધુકીયા (૩૦) પોતાની મોબાઈલની દુકાને નવા સીમકાર્ડ વેચતી વખતે જરૂરી રેકોર્ડ ન રાખતા હોવાથી તેમની સામે પણ જાહેરનામાના ઉલ્લંઘનનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.