અમરેલી જિલ્લામાં હાલમાં ઈંધણની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે પરિવહન ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જાઈ છે. જિલ્લામાં પ૦૦થી વધુ પેટ્રોલપંપો કાર્યરત હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી મોટાભાગના પંપો પર ડીઝલનો પુરવઠો પહોંચ્યો નથી, જેને લીધે આ વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જિલ્લાના મોટાભાગના પેટ્રોલપંપો પર અત્યારે ‘નો સ્ટોક’ના બોર્ડ લટકી રહ્યા છે. જ્યાં થોડો ઘણો જથ્થો ઉપલબ્ધ છે ત્યાં પણ સંચાલકો દ્વારા રેશનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં વાહનચાલકોને માત્ર રૂ.૧૦૦૦નું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જે લાંબા અંતરના વાહનો માટે દરિયામાં ટીપા સમાન છે. પંપ સંચાલકો પણ મજબૂર છે કારણ કે તેઓએ પ્રાથમિકતાના ધોરણે માત્ર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને જ ઈંધણ પૂરું પાડવાનું નક્કી કર્યું છે. આ પરિસ્થિતિને કારણે પંપ માલિકોને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીઝલની આ તંગીની સૌથી સીધી અને વરવી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી છે. હજારો ટ્રક ચાલકો રસ્તા પર અટવાઈ પડ્યા છે અને પેટ્રોલપંપો પર ટ્રકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રક ડ્રાઈવરોનો આક્રોશ છે કે માત્ર એક હજાર રૂપિયાના ડીઝલથી મોટા વાહનો થોડા કિલોમીટર પણ ચાલી શકતા નથી, જેના કારણે માલસામાનની હેરફેર ખોરવાઈ ગઈ છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે અને પરિણામે મોંઘવારીમાં ધરખમ વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે.
પેટ્રોલપંપ પર ડિઝલનો પુરતો જથ્થો : કલેકટર
અમરેલી જિલ્લાના પેટ્રોલપંપ ડિઝલનો જથ્થો ઉપલબ્ધ ન હોવા અંગે કલેકટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યુ હતું કે તમામ પેટ્રોલપંપ પર ડિઝલનો પુરતો જથ્થો છે. વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે પેટ્રોલપંપો પર ડિઝલનો જથ્થો ન હોવાની હજુ સુધી કોઈ ફરીયાદ આવી નથી. જા કે પેટ્રોલપંપ સંચાલકો ડિઝલનો જથ્થો ન હોવાનું જણાવી રહ્યાં છે.










































