તમિલનાડુના મુખ્યમંત્રી વિજય કાલે, બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે.એએમએમકેના સ્થાપક દિનાકરણે તેમના એકમાત્ર ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે જેમણે વિજયની શાસક પાર્ટી,ટીવીકેને ટેકો આપવાની જાહેરાત કરી હતી. દિનાકરણે આ પગલું તેમના પક્ષના ધારાસભ્ય એસ. કામરાજ દ્વારા વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ હેઠળની સરકારને ટેકો આપવાની જાહેરાત કર્યા પછી લીધું. આ ઘટનાના કલાકોમાં જ દિનાકરણે આ પગલું ભર્યું. એક નિવેદનમાં દિનાકરણે કહ્યું કે આ પગલું એકપક્ષીય અને પક્ષ શિસ્ત વિરુદ્ધ છે.
દરમિયાન, એઆઇએડીએમકેએ તેના તમામ ધારાસભ્યોને વિજય વિરુદ્ધ મતદાન કરવાનો આદેશ જારી કર્યો છે.એઆઇએડીએમકે નેતા અગ્રિ એસ.એસ. કૃષ્ણમૂર્તિએ મંગળવારે જણાવ્યું હતું કે એઆઇએડીએમકેએ તેના તમામ ધારાસભ્યોને આવતીકાલે તમિલનાડુ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં ટીવીકે વિરુદ્ધ મતદાન કરવા સૂચના આપી છે. જે ધારાસભ્યો આ નિર્દેશનો વિરોધ કરશે તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે.
એઆઇએડીએમકેના બીજા જૂથે મુખ્યમંત્રી જાસેફ વિજયની પાર્ટી, તમિલગા વેટ્ટી કઝગમને ટેકો આપવાની જાહેરાત કરી છે. બીજા જૂથનું નેતૃત્વ કરી રહેલા એસપી વેલુમાણી અને સીવી શનમુગમે જણાવ્યું છે કે તેમનો જૂથ મુખ્યમંત્રી વિજયને મળવાની યોજના બનાવી રહ્યું છે. ષણમુગમે જણાવ્યું હતું કે તેમનો પક્ષ ક્યારેય ડીએમકેને ટેકો આપશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે તેમને પાર્ટીનું પુનર્ગઠન કરવાની અને તેના ભવિષ્યની ચર્ચા કરવાની જરૂર છે. “અમે એઆઈએડીએમકેના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એડાપ્પડી કે પલાનીસ્વામીને કાઉન્સીલની બેઠક બોલાવવા વિનંતી કરીએ છીએ.” તેમણે ડીએમકે સાથે જોડાણ કરવા માટેના પક્ષના મંતવ્યની પણ ટીકા કરી હતી. એઆઈએડીએમકે અને ડીએમકે વચ્ચે જોડાણ એક અભૂતપૂર્વ રાજકીય ઘટના હોત.
એ નોંધવું જોઈએ કે વિજયની પાર્ટી, ટીવીકે, તમિલનાડુમાં સૌથી વધુ ૧૦૮ બેઠકો જીતી છે. ગૃહમાં બહુમતીનો આંકડો ૧૧૮ છે. કોંગ્રેસ સહિત કેટલાક નાના પક્ષોએ સીએમ વિજયને ટેકો આપ્યો છે.







































