રાજુલા વિસ્તારના જરૂરિયાત મંદ લોકો માટે સ્વાસ્થ્ય સેવાના નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સંચાલિત ‘શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’નું ભવ્ય લોકાર્પણ આજે બુધવારે સવારે ૧૧ઃ૦૦ કલાકે યોજાશે. અંદાજે રૂ.૨૨ કરોડના ખર્ચે નિર્મિત આ અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારીબાપુના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત અનેક રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.આ હોસ્પિટલની વિશેષતા એ છે કે અહીં દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના નિદાન, દવાઓ અને જટિલ સર્જરી સહિતની તમામ સેવાઓ ૧૦૦% નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. માજી ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને દાતાઓના સહયોગથી આ સેવા પ્રોજેક્ટ સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ બનશે.