તમિલનાડુમાં વિજય મુખ્યમંત્રી બની ગયો.તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં તમિલ સિનેમાના સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ને સૌથી વધારે બેઠકો તો મળી પણ બહુમતી માટે જરૂરી ૧૧૮ ધારાસભ્યો નહીં હોવાથી વિજય લટકી ગયો હતો. વિજયને સત્તામાં આવતો રોકવા માટે બે કટ્ટર રાજકીય હરીફો એવા ડીએમકેના એમ.કે. સ્ટાલિન અને એઆઈએડીએમકેના પલાનીસ્વામી હાથ મિલાવી લે એવી પણ શક્યતા હોવાથી વિજયના મુખ્યમંત્રી બનવા સામે સવાલ ઉભો થયો હતો. છેવટે ડીએમકેએ કોંગ્રેસ સહિતના પોતાના સાથી પક્ષોને વિજયને ટેકો આપવા કહેતાં વિજય પાસે બહુમતી થઈ ગઈ અને તેની શપથવિધી થઈ ગઈ.
વિજયની શપથવિધી સાથે તમિલનાડુમાં ફિલ્મી સેલિબ્રિટીની ફરી સત્તામાં વાપસી થઈ છે. કરૂણાનિધી, એમ.જી. રામચંદ્રન, જાનકી રામચંદ્રન અને જલલલિતા પછી વિજય તમિલનાડુના મુખ્યમંત્રીપદે બેસનારી પાંચમી ફિલ્મ સેલિબ્રિટી છે. વિજયની તાજપોશી સાથે તમિલનાડુનું દ્રવિડ વિચારધારાની આસપાસ રમતું રાજકારણ નવા યુગમાં પ્રવેશ્યું છે. અત્યાર લગી ડીએમકે અને એઆઈએડીએમકે એ બે રાજકીય પક્ષોની આસપાસ જ ઘૂમરાતું હતું. બીજા નાના નાના પક્ષો ઘણા છે પણ ડીએમકે અને એઆઈએડીએમકેના વર્ચસ્વને કોઈ તોડી શક્યું નહોતું.ડીએમકે અને એઆઈએડીએમકેનું વર્ચસ્વ એવું જબરદસ્ત છે કે, ૧૯૬૭થી એટલે કે છેલ્લાં લગભગ ૬૦ વર્ષથી તમિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકેમાંથી કોઈ એક પાર્ટી જ સત્તામાં આવે છે. બીજા પક્ષો ઉભા થયા પણ ડીએમકે અને એઆઈએડીએમકે સામે ટકી ના શકતાં છેવટે તેમણે આ બે પક્ષમાંથી કોઈ એક પક્ષના શરણે જવું પડ્યું. વિજયે ડીએમકે અને એઆઈએડીએમકેને પછાડીને એક ત્રીજો વિકલ્પ ઉભો કર્યો છે એ બહુ મોટી વાત છે.
વિજયે રાજકીય કારકિર્દી આયોજનપૂર્વક ઘડી છે. વિજયે છેક ૨૦૦૯માં પોતાની ફેન ક્લબ વિજય મક્કલ ઇયક્કમ શરૂ કરી હતી. વિજય એ વખતે તમિલ ફિમોનો સુપરસ્ટાર નહોતો પણ ધીરે ધીરે આગેકૂચ કરી રહ્યો હતો. એ વખતે કોઈએ વિચાર્યું નહોતું કે, વિજયે આ ફેન ક્લબ પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે શરૂ કરી છે. વિજયે ફેન ક્લબ શરૂ કર્યાના બે જ વર્ષમાં રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી અને ૨૦૧૧ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીએમકેની આગેવાની હેઠળના જોડાણને ટેકો આપ્યો હતો.
જયલલિતા ત્યારે એઆઈએડીએમકેનાં પ્રમુખ હતાં ને તમિલ ફિલ્મોનાં સુપરસ્ટાર રહી ચૂકેલાં તેથી તેમને માન આપવા માટે વિજયે આ નિર્ણય લીધો હોવાનું મનાતું હતું પણ વિજય પોતાના માટે રાજકીય એન્ટ્રીનો તખ્તો તૈયાર કરી રહ્યો હતો. વિજય એ પછી અલગ અલગ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાની ચોક્કસ રાજકીય વિચારધારા છે એ લોકો સામે સ્પષ્ટ કરતો ગયો. વિજયની વિચારધારા ભાજપ વિરોધી છે એ પહેલેથી સ્પષ્ટ હતું. ૨૦૧૫માં વિજયને ત્યાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા પછી એ એકદમ ભાજપ વિરોધી થઈ ગયો.
વિજયે ફેબ્રુઆરી ૨૦૧૯માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પસાર કરાયેલ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ ૨૦૧૯નો ખુલ્લો વિરોધ કરીને કહેલું કે, આ કાયદો દેશમાં સામાજિક ધાર્મિક સંવાદિતાને ખલેલ પહોંચાડશે. વિજયે એ વખતે જ પોતે ભાજપની વિચારધારાની વિરૂધ્ધ હોવાનું સ્પષ્ટ કરી દીધેલું.
વિજયે પહેલું રાજકીય પગલું ૨૦૨૨માં ભરેલું. વિજયની ફેન ક્લબના સભ્યોની સંખ્યા લગભગ દોઢ કરોડ થઈ ગઈ પછી વિજયે પોતાના નામે તમિલનાડુના મતદારો મત આપે છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પોતાની ફેન ક્લબના સભ્યોને ૨૦૨૨ની તમિલનાડુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવી હતી. આ ચૂંટણીમાં વિજયની પાર્ટીને ૧૧૫ બેઠકો પર જ વિજય મળ્યો હતો પણ તેના સમર્થકોને મોટા ભાગના વિસ્તારોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. તેનાથી પ્રોત્સાહિત થઈને વિજયે ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ નવા રાજકીય પક્ષ તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ની શરૂઆત કરી. તમિલગા વેત્રી કઝગમનો હિંદીમાં અર્થ તમિલનાડુ વિજય પાર્ટી થાય છે.
વિજયના રાજકીય અભિયાનની શરૂઆત બહુ સારી નહોતી. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કરુરમાં વિજયની સભા દરમિયાન ભીડના ધસારામાં ૪૧ લોકો મૃત્યુ પામ્યા પછી વિજય જતો રહ્યો તેની ટીકા થઈ હતી. એ વખતે મનાતું હતું કે, વિજયની રાજકીય કારકિર્દી શરૂ થતાં પહેલાં જ પતી જશે પણ વિજયે ચૂંટણીની જાહેરાતો પછી બહાર પાડેલા ઢંઢેરામાં કોઈને કલ્પના પણ ના આવે એવી જાહેરાતો કરીને લોકોને મત આપવા લલચાવી દીધા.
વિજયે તમિલનાડુમાં પોતે સત્તામાં આવશે તો દરેક પરિવારની મુખ્ય મહિલાના ખાતામાં દર મહિને ૨૫૦૦ રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું છે. સરકારી કર્મચારી ના હોય એવી તમામ મહિલાઓને ૬૦ વર્ષની ઉંમર સુધી આ રકમ મળશે. લગ્ન કરી રહેલી દરેક દીકરીને સરકાર તરફથી ૮ ગ્રામ સોનું અને દરેક નવજાત શિશુને સોનાની વીંટી આપવાનું પણ વચન આપ્યું છે. દરેક ઘરમાં વરસે રાંધણ ગેસના ૬ સિલિન્ડર પણ સાવ મફતમાં અપાશે જ્યારે ધોરણ ૧૨ સુધીની વિદ્યાર્થીઓને વરસે ૧૫ હજાર રૂપિયા અપાશે. આ રકમ સીધી તેમની માતાના ખાતામાં જમા થશે કે જેથી સ્કૂલમાંથી દીકરીને ભણવામાંથી ઉઠાવી ના લેવાય. આ ઉપરાંત સરકારી બસોમાં મહિલાઓને મફત મુસાફરીનું વચન પણ આપ્યું છે. વિજયે મહિલાઓના ખાતામાં સીધી રકમ જમા કરાવવાનાં વચનો આપ્યાં તેના કારણે વરસોથી જામેલલા બે પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકેને પછાડીને આગળ નિકળી ગયો.
વિજયની નકલ શાહરૂખ ખાને કરી છે. વિજય ફિલ્મી પરિવારમાં જન્મેલો છે તેથી તેની આયોજનપૂર્વક ફિલ્મ કારકિર્દી ઘડી છે. વિજયના પિતા એસ. એ. ચંદ્રશેખર ફિલ્મ ડિરેક્ટર અને માતા શોભા ચંદ્રશેખર પ્લેબેક સિંગર છે. ખ્રિસ્તી પિતા અને હિન્દુ માતાના સંતાન વિજયે બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરેલી. તેની પહેલી ફિમ વેત્રી સુપરહીટ હતી છતાં ફિલ્મી કારકિર્દી માટે ભણવાનું ના છોડ્યું.
લોયોલા કોલેજમાંથી વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં સ્નાતક થયા પછી વિજયને તેના પિતાએ પહેલી ફિમ નલાઈયા થીરપુમાં જ એક્શન હીરો તરીકે લોંચ કરેલો પણ એક વાર સફળ થયા પછી વિજયે રોમાસ અને કોમેડી પર હાથ અજમાવ્યો પણ તેની ઈમજ એક્શન હીરો તરીકેની છે. વિજયની એક્શન ફિલ્મોનો તમિલ યુવાઓમાં ભારે ક્રેઝ છે. વિજય બહુ સારો એક્ટર નથી પણ તેની પાસે જબરદસ્ત મેનરીઝમ છે તેથી તેનો પોતાનો એક આગવો ચાહક વર્ગ ઉભો થયો છે.
વિજય તમિલ ફિલ્મોમાં સફળ ગાયક પણ છે. ઈલૈયા રાજા અને એ.આર. રહેમાન જેવા મહાન સંગીતકારોએ વિજય પાસે ગીતો ગવડાવ્યાં છે પણ અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય એ માટે વિજયે ગાવાનું છોડી દીધું. આ નિર્ણય વિજયને ફળ્યો છે કેમ કે છેલ્લાં ૧૫ વર્ષમાં વિજયની કોઈ ફિલ્મ એવી નથી આવી કે જેણે ૧૦૦ કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી હોય. તમિલ સિનેમામાં રજનીકાન્ત સૌથી સફળ અભિનેતા છે. એક દાયકામાં વિજયની રજનીકાન્તને ટક્કર આપતા સુપરસ્ટાર તરીકે ઉભર્યો છે.
વિજય તમિલ ફિલ્મોમાં એ હદે લોકપ્રિય છે કે, બોલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાને પણ પોતાની કારકિર્દી બચાવવા માટે વિજયની ફિલ્મોની નકલ કરવી પડી છે. વિજયે પોતે થ્રી ઈડિયટ્સની તમિલ રીમેકમાં એક્ટિંગ કરી છે પણ ધીરે ધીરે એટલો મોટો સ્ટાર બની ગયો કે હવે બોલીવુડ તેની ફિલ્મોની નકલ કરે છે. શાહરૂખ ખાને સળંગ નિષ્ફળ ફિલ્મો આપ્યા પછી જવાન અને પઠાણ એ બે સળંગ સુપરહીટ ફિલ્મો આપી. આ બંને ફિલ્મો હજાર-હજાર કરોડ રૂપિયાથી વધારેનો નફો કર્યો. શાહરૂખની જવાન વિજયની ફિલ્મની નકલ છે અને વિજય સાથે ઘણી સફળ ફિલ્મો આપનારા એટલીએ જ આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી.
તમિલ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાન્ત ના કરી શક્યા એ વિજયે કરી બતાવ્યું. વિજય પહેલાં રજનીકાન્તે રાજકારણમાં આવવાની તૈયારી કરી નાંખેલી. રજનીકાન્તે ૨૦૨૦માં રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરીને એલાન કર્યું હતું કે પોતે આધ્યાત્મિક રાજકારણ કરશે અને ૨૦૨૧ની તમિલનાડુની ચૂંટણીમાં તમામ ૨૩૪ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે.
રજનીકાન્તે પોતાનો ‘રજની મક્કલ મંદરમ’ પક્ષ ૩૧ ડીસેમ્બરે એટલે કે ૨૦૨૦ના છેલ્લા દિવસે પોતાની યોજના જાહેર કરશે એવું એલાન પણ કરેલું, આ માટે બેઠકોનો દોર પણ શરૂ થયેલો પણ રજનીકાન્ત છેલી ઘડીએ પાણીમાં બેસી ગયેલો. રજનીકાન્તની મોટા ભાગની ફિલ્મોનું નિર્માણ સન મૂવીઝ દ્વારા થાય છે અને સન મૂવીઝ ડીએમકેના સર્વેસર્વા સ્ટાલિનની પિતરાઈ મારન બંધુઓની છે. મારન બંધુઓ પોતે પણ ડીએમકેમાં છે. આ ઉપરાંત રજનીકાન્તને નરેન્દ્ર મોદી સાથે પણ સારા સંબંધો છે તેથી બંને તરફ દબાણના કારણે રજનીકાન્તે રાજકારણમાં આવવાનો વિચાર માંડી વાળ્યો એવું મનાય છે.
રજનીકાન્તે ૨૦૨૧માં રાજકારણમાં નહીં આવવાનું એલાન કર્યું તેના એક વરસ પછી ૨૦૨૨માં પહી વાર પોતાના સમર્થકોને ચૂંટણી લડાવીને રાજકારણનાં પાણી કેટલાં ઉંડાં છે ને પોતે કેટલું તરી શકે છે તેનો ક્યાસ કાઢ્યો.આજે ચાર વર્ષ પછી વિજયને જબરદસ્ત સફળતા મળી ગઈ એ જોતાં રજનીકાન્તને અફસોસ થતો હશે. sanjogpurti@gmail.com









































