દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે ભેંસો ચરાવવા જવા જેવી સામાન્ય બાબતે બે સગા ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં નાના ભાઈએ પોતાના મોટાભાઈના માથામાં લાકડાનો ધોકો ફટકારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન ૧૩ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ યુવાનનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે શરૂઆતમાં પરિવારજનોએ ઘટનાની સાચી હકીકત છુપાવી હતી, પરંતુ અંતે માતાએ જ પોતાના નાના પુત્ર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
૨૬ એપ્રિલે સવારે આશરે ૮ વાગ્યે હરખજીના મુવાડા ગામે નિશાળવાળા વાસમાં રહેતો અર્જુનસિંહ ઉર્ફે મેહુલ ભીખુસિંહ ચૌહાણ ઘરે ઊંઘી રહ્યો હતો. તે દરમિયાન તેનો મોટાભાઈ કરણસિંહ તેને ભેંસો ચરાવવા જવા માટે જગાડવા ગયો હતો. જાકે અર્જુનસિંહે થોડીવાર બાદ જવાની વાત કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થતાં વાત વધુ બગડી હતી. ગુસ્સે ભરાયેલા અર્જુનસિંહે નજીકમાં પડેલો લાકડાનો ધોકો ઉઠાવી કરણસિંહના માથામાં જારદાર ફટકો મારી દીધો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચતા કરણસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં કરણસિંહને તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ બાદ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પરિવારજનોએ પોલીસ સમક્ષ સાચી હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ૧૩ દિવસે કરણસિંહે દમ તોડ્યો હતો. પુત્રના મોત બાદ માતા જયાબેન ચૌહાણે હિંમત ભેગી કરી સમગ્ર ઘટનાની સાચી હકીકત પોલીસ સમક્ષ રજૂ કરી હતી.






































