શહેરના સનાથલમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. નજીવી બાબતમાં યુવકની હત્યા કરી દેતા સમગ્ર ગામમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ચાંગોદર પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, મૃતક અને આરોપીઓ રવિવારે સાંતેજ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન મૃતક દેવેન્દ્રસિંહ ચૌહાણે આરોપી ચેહર ઠાકોરને પોતાની થોડી દૂર પાર્ક કરેલી ગાડી સુધી લઈ જવા માટે કહ્યું હતું. જા કે આરોપી ચેહરે ના પાડતા તેને ખોટું લાગ્યું હતું.
આ વાતનું મનદુઃખ રાખીને દેવેન્દ્ર લગ્ન પ્રસંગમાંથી ઘરે આવતા આરોપીના ઘરે ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થતા આરોપીએ દેવેન્દ્રસિંહને છરીના ઘા મારતા ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીને હસ્તગત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. જા કે હત્યા પાછળ આ જ કારણ જવાબદાર છે કે અન્ય તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.







































