ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન હવે ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે, દરેક મેચ પછી પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફારો જાવા મળી રહ્યા છે. આ સીઝનની ૫૨મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સે ૭૭ રનથી મેચ જીતી, પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો, જ્યારે અન્ય ટીમો માટે પણ મુશ્કેલીઓ ઉભી કરી. આ મેચ પહેલા, ગુજરાત ટાઇટન્સ ૧૨ પોઇન્ટ સાથે પાંચમા સ્થાને હતું, જેનો નેટ રન રેટ નકારાત્મક હતો. આ મેચ જીત્યા પછી, તેઓ બીજા સ્થાને કૂદી ગયા છે અને તેમના નેટ રન રેટમાં સુધારો કર્યો છે.
૫૨ લીગ મેચો પછી, સનરાઇઝર્સ હૈદરાબાદ ૧૧ મેચોમાં ૭ જીત અને ૪ હાર પછી ૧૪ પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જેનો નેટ રન રેટ ૦.૭૩૭ છે. આ પછી, ગુજરાત ટાઇટન્સ હવે ૧૧ મેચોમાં ૧૪ પોઇન્ટ અને ૦.૨૨૮ ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. ત્રીજા સ્થાને પંજાબ કિંગ્સ છે, જે લાંબા સમયથી ટોચનું સ્થાન ધરાવે છે.
પંજાબ કિંગ્સના ૧૦ મેચોમાં ૧૩ પોઇન્ટ અને ૦.૫૭૧ ના નેટ રન રેટ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે ચોથા સ્થાને પહોંચી ગયું છે, તેણે અત્યાર સુધી ૧૦ મેચ રમી છે અને કુલ ૧૨ પોઈન્ટ છે, જેનો નેટ રન રેટ ૧.૨૩૪ છે. રાજસ્થાન રોયલ્સ હવે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. તેઓએ આ સિઝનમાં અત્યાર સુધી ૧૧ મેચ રમી છે, જેમાં છ જીત્યા છે અને પાંચમાં હાર્યા છે. તેમના કુલ ૧૨ પોઈન્ટ છે, જેનો નેટ રન રેટ ૦.૦૮૨ છે.
એક પણ હાર સીએસકે અને મુંબઈ ઈન્ડિયન્સ માટે મોંઘી સાબિત થશે. પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમોની સ્થિતિની વાત કરીએ તો, છઠ્ઠા ક્રમાંકિત ચેન્નાઈ સુપર કિંગ્સનો મુંબઈ ઈન્ડિયન્સ સામેનો મેચ મહત્વપૂર્ણ છે.સીએસકે પાસે હાલમાં ૧૦ મેચમાંથી ૧૦ પોઈન્ટ અને ૦.૧૫૧ નો નેટ રન રેટ છે. કેકેઆર ૧૦ મેચમાંથી ૯ પોઈન્ટ અને -૦.૧૬૯ ના નેટ રન રેટ સાથે ૭મા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ હાલમાં આઇપીએલ ૨૦૨૬ પોઈન્ટ ટેબલમાં ૧૧ મેચોમાં ફક્ત ૮ પોઈન્ટ સાથે ૮મા ક્રમે છે, જ્યારે છેલ્લા બે સ્થાનો પર મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ છે, બંને ૧૦ મેચોમાં છ પોઈન્ટ સાથે.