પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. સુવેન્દુ અધિકારીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ હોવા છતાં, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી “મુખ્યમંત્રી” ટેગ દૂર કર્યો નથી. હવે તેઓ સત્તાવાર રીતે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે, પરંતુ ફેસબુક અને એકસ પર, તેઓ હજુ પણ પોતાને ‘માનનીય મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ’ કહે છે.
મમતા બેનર્જીએ તેમની પ્રોફાઇલમાં કેટલાક ફેરફારો કર્યા છે. તેમણે તેમની માહિતીમાં “૧૫મી, ૧૬મી અને ૧૭મી વિધાનસભા” શબ્દો ઉમેર્યા છે. જાકે, મુખ્યમંત્રીનો ટેગ યથાવત છે. ચૂંટણી હાર્યા પછી પણ, તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, આ હકીકત હવે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબિંબિત થાય છે.
અગાઉ, રાજ્યપાલ આર.એન. રવિએ ૧૭મી વિધાનસભાનું વિસર્જન કર્યું હતું. તેનો કાર્યકાળ ૭ મેના રોજ સમાપ્ત થયો હતો. રાજ્યપાલે બંધારણની કલમ ૧૭૪ (૨)(બી) હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ આદેશ જારી કર્યો.
મમતા બેનર્જી ૨૦૧૧ થી સતત ૧૫ વર્ષ સુધી સત્તામાં રહ્યા. ૨૦૨૧ માં, તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. જાકે, ૨૦૨૬ ની ચૂંટણીમાં તેમને મોટી હારનો સામનો કરવો પડ્યો. ભાજપે ૨૯૩ બેઠકોમાંથી ૨૦૭ બેઠકો જીતીને બહુમતી મેળવી, જ્યારે ટીએમસી માત્ર ૮૦ બેઠકો પર સમેટાઈ ગઈ. મમતા બેનર્જી પોતે ભવાનીપુર મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા. હાર બાદ, તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર બેઠક ચોરીનો આરોપ લગાવ્યો. હવે, રાજ્યમાં નવી ભાજપ સરકાર બની છે, અને સુવેન્દુ અધિકારીએ કાર્યભાર સંભાળ્યો છે. હાલમાં, મમતા બેનર્જીનું સોશિયલ મીડિયા સ્ટેટસ ચર્ચાનો વિષય બન્યું છે.









































