ધારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દેરાણી તેના જેઠાણીને ઘરે આવી હતી. સામાન્ય વાતચીતની અદાવત રાખી એક અજાણી મહિલાએ અન્ય મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. લોકચર્ચા સાંભળવા જેવી સામાન્ય બાબતે થયેલી આ તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે કોમલબેન દિપકભાઇ દાફડાએ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના જેઠાણીના ઘરે ગયા હતા. આ સમયે જેઠાણીએ તેમને કહ્યું હતું કે, તમારી આડી-અવળી વાતો બહારના લોકો કરે છે. જેના જવાબમાં તેમણે સહજતાથી કહ્યું હતું કે, લોકો તો વાતો કર્યા જ કરે. આ વાતચીત ઘરની બહાર ઉભેલી એક અજાણી મહિલા સાંભળી ગઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને જ્યારે તેઓ જેઠાણીના ઘરેથી બહાર નીકળ્યા, ત્યારે અજાણી મહિલાએ તેમને રસ્તામાં રોકી જાહેરમાં બેફામ ગાળો આપી હતી. ઉશ્કેરાયેલી મહિલાએ હાથમાં રહેલી ઈંટનો ઘા તેમના કપાળના ભાગે માર્યો હતો, જેના કારણે તેમને ગંભીર મુંઢ ઈજા થઈ હતી. હુમલા દરમિયાન તેમનો ડાબો હાથ મરોડી નાખતા તેમની આંગળીના ભાગે ગંભીર સોજો આવી ગયો હતો.