ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામે સિંહ દ્વારા ગાયના શિકારની હૃદયદ્રાવક ઘટના બની છે જેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મોડી રાત્રિના સમયે ગામની શેરીઓમાં ખોરાકની શોધમાં આવેલો શિકારી સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.સીસીટીવી ફૂટેજ મુજબ સિંહ આક્રમક રીતે ગલીમાં પ્રવેશીને ગાય પર તરાપ મારે છે અને ગણતરીની મિનિટોમાં જ ગાયને પછાડી તેનું મારણ કરે છે. આ ઘટના બાદ સાબિત થયુ છે કે વન્યપ્રાણીઓ હવે જંગલ છોડીને માનવ વસ્તી તરફ વધુ આવી રહ્યાં છે. વન્યપ્રાણીઓના માનવ વસાહત તરફ આવતા હોવાથી ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરે જતા શ્રમિકો માટે આ સ્થિતિ જોખમી બની છે. વન વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.