શ્રીલંકાના ક્રિકેટમાં મોટી ઉથલપાથલ જાવા મળી, જે એક પગલું હતું જેની થોડા સમયથી અપેક્ષા રાખવામાં આવી રહી હતી. શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ માહિતી શ્રીલંકા ક્રિકેટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે તાજેતરમાં બોર્ડમાં ફેરફારોની જરૂરિયાત પર ભાર મુક્યો છે, અને આ પગલું તેમના નિવેદનનો જવાબ માનવામાં આવે છે.
શ્રીલંકન ક્રિકેટમાં ઉથલપાથલ અંગે એસએલસી દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ રાજીનામા તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યા છે અને એક વચગાળાની સંસ્થા બોર્ડનો કાર્યભાર સંભાળશે.એસએલસીએ માહિતી આપી હતી કે શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વાએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમની સાથે,એસએલસી એક્ઝીક્યુટીવ કમિટીના અધિકારીઓ અને સભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. આ નિર્ણય ઔપચારિક રીતે પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે અને માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી સુનીલ કુમારા ગામગેને જણાવવામાં આવ્યો છે.
આ રાજીનામા ૨૮ એપ્રિલના રોજ એસએલસી એક્ઝીક્યુટીવ કમિટીની બેઠક બાદ આપવામાં આવ્યા છે. શ્રીલંકા સરકાર હવે ભૂતપૂર્વ સાંસદ એરન વિક્રમરત્નેને વચગાળાની સંસ્થાના કામચલાઉ વડા તરીકે નિયુક્ત કરે તેવી અપેક્ષા છે.
ફેબ્રુઆરી ૨૦૧૯ માં, શમ્મી સિલ્વાએ પ્રથમ વખત શ્રીલંકા ક્રિકેટનું પ્રમુખપદ સંભાળ્યું, થિલાંગા સુમતિપાલાના સ્થાને. સિલ્વાના કાર્યકાળ દરમિયાન, શ્રીલંકાની પુરુષ અને મહિલા ટીમોએ એશિયન કપ ટાઇટલ જીત્યા હતા પરંતુ આઇસીસી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પુરુષ ટીમના પ્રદર્શનમાં સૌથી મોટો ઘટાડો જાવા મળ્યો. ૨૦૨૬ના ટી ૨૦ વર્લ્ડ કપમાં પણ શ્રીલંકન ટીમનું પ્રદર્શન નિરાશાજનક સાબિત થયું.















































