જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ લાંબા સમય સુધી ચાલે છે અને પરિણામે ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટ (આઇસીબી)એફવાય ૨૦૨૭ માં સરેરાશ ૧૨૦ પ્રતિ બેરલ સુધી પહોંચે છે, તો ભારતીય અર્થતંત્ર ગંભીર પડકારોનો સામનો કરી શકે છે. અગ્રણી કન્સલ્ટન્સી ફર્મ ઇવાય ઇન્ડિયાએ તેના તાજેતરના અહેવાલમાં ડર વ્યક્ત કર્યો છે કે આ પરિસ્થિતિમાં, ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર લગભગ ૬ ટકા સુધી ઘટી શકે છે. વધુમાં, ક્રૂડ ઓઇલના ભાવમાં આ વધારાનો ફુગાવા પર સીધો પ્રભાવ પડશે. અહેવાલ મુજબ, છૂટક ફુગાવો ભારતીય રિઝર્વ બેંકના ૬ ટકાના ઉચ્ચ સહનશીલતા સ્તર સુધી પહોંચી શકે છે.
ઇવાય ઇન્ડિયાના મુખ્ય નીતિ સલાહકાર ડી.કે. શ્રીવાસ્તવે ઇવાય ઇકોનોમી વોચ’ અહેવાલમાં જણાવ્યું હતું કે નીતિગત હસ્તક્ષેપનો અવકાશ મર્યાદિત હોવા છતાં, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીતિનિર્માતાઓએ સતર્ક રહેવાની જરૂર છે. તેમણે સૂચન કર્યું કે જો પશ્ચિમ એશિયાઈ કટોકટી આઇસીબીના ભાવમાં વધુ વધારો કરે છે, તો રેપો રેટમાં ઉપર તરફ સુધારો અને ક્રૂડ ઓઇલ સપ્લાય સ્ત્રોતોના ઝડપી વૈવિધ્યકરણ પર વિચાર કરવો જોઈએ. શ્રીવાસ્તવે નાણાકીય મોરચે ચેતવણી પણ આપી. તેમણે કહ્યું, “રાજકોષીય ખાધ પરની પ્રતિકૂળ અસરને ઓછી કરવા માટે, વધેલી ઉર્જા કિંમતોનો બોજ રિટેલર્સ પર વધુ પ્રમાણમાં નાખવો જોઈએ.”
રિપોર્ટમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે વર્તમાન સંકેતો સૂચવે છે કે પશ્ચિમ એશિયાઈ કટોકટી અપેક્ષા કરતા વધુ સમય સુધી ટકી શકે છે. શ્રીવાસ્તવે કહ્યું કે જો સંઘર્ષ ઉકેલાઈ જાય તો પણ, વૈશ્વીક ક્રૂડ ઓઇલ સપ્લાયની સ્થિતિને સંપૂર્ણપણે સામાન્ય થવામાં ઘણો સમય લાગશે.
રિપોર્ટમાં યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (યુએસ ઇઆઇએ) ના અંદાજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ૨૦૨૬ ના પહેલા ક્વાર્ટરમાં સરેરાશ ઇં૮૧ પ્રતિ બેરલથી વધીને ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં ઇં૧૧૫ પ્રતિ બેરલની ટોચ પર પહોંચવાનો અંદાજ લગાવે છે.
શ્રીવાસ્તવે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૭ માં આઇસીબીના ભાવ સરેરાશ ૯૫ પ્રતિ બેરલથી વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ભારતનો વિકાસ દર ૬.૫% કરતા ઓછો હોઈ શકે છે અને ફુગાવો આરબીઆઇના બેઝલાઇન અંદાજ કરતા થોડો વધારે હોઈ શકે છે. જો કે, અહેવાલમાં એક સકારાત્મક પાસું પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. શ્રીવાસ્તવે કહ્યું, “પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ, નાણાકીય વર્ષ ૨૭ માં ભારતનો વિકાસ દર વૈશ્વીક વિકાસ દર કરતા બમણાથી વધુ રહેવાની ધારણા છે.”









































