ચીનના દક્ષિણ ગુઆંગશી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે હજારો કાર પાણીમાં ડૂબી ગઈ છે. સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, અને લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું છે. લોકોને રસ્તાઓ પર જવા માટે હોડીઓનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ચીનના ગ્લોબલ ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે કિન્ઝોઉ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર, કિન્નાન જિલ્લાના જિયુલોંગ શહેરમાં સૌથી વધુ ૩૬૨.૨ મીમી વરસાદ નોંધાયો હતો, જે અત્યંત ભારે વરસાદની શ્રેણીમાં આવે છે. દરમિયાન, સોમવારે સવારે ૪ વાગ્યે એક જ કલાકમાં ૧૪૩.૩ મીમી વરસાદ પડ્યો હતો. સોમવારે સવારે ૬ થી ૮ વાગ્યાની વચ્ચે, કિન્ઝોઉના શહેરી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ૨૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે આનાથી ગંભીર પૂર આવી શકે છે. સોમવારે સવારે ૧૦ વાગ્યે, કિન્ઝોઉ હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું હતું.
સવારે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આમાં ડોંગચાંગમાં ૬૯ મીમી, નાલીમાં ૬૬ મીમી, ચીન-મલેશિયા કિન્ઝોઉ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ૫૯ મીમી અને દાફાનપોમાં ૫૩ મીમી વરસાદનો સમાવેશ થાય છે. બપોર સુધીમાં, વરસાદી વાદળો દક્ષિણપૂર્વ તરફ આગળ વધી રહ્યા હતા. કિન્નાન જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બપોરે ૨૦ થી ૪૦ મીમી વરસાદ પડવાની ધારણા હતી, જ્યારે કેટલાક સ્થળોએ ૬૦ મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. વીજળી પડવા અને જોરદાર પવન ફૂંકવાનું પણ જોખમ હતું. પર્વતીય વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાવાનું જાખમ ઊંચું રહે છે.
સ્થાનિક અધિકારીઓએ સોમવારે સવારે લેવલ-૩ પૂર નિયંત્રણ કટોકટી (ત્રીજા સ્તરનો પૂર નિયંત્રણ કટોકટી પ્રતિભાવ) સક્રિય કર્યો. કિન્ઝોઉ ફાયર અને રેસ્ક્્યૂ ટીમને સવારે ૬ વાગ્યાથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોના અહેવાલ મળતા અસંખ્ય કોલ આવ્યા હતા. બચાવ ટીમોએ તાત્કાલિક જવાબ આપ્યો. સોમવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં, બચાવ ટીમોએ પૂર સંબંધિત ૨૩ કટોકટી કોલનો જવાબ આપ્યો હતો, ૨૫ ફાયર ટ્રક અને ૧૫૦ કર્મચારીઓને મોકલ્યા હતા અને ૩૦ ફસાયેલા લોકોને બચાવ્યા હતા.










































