૨૦૨૬ માં એક હાઈ-વોલ્ટેજ મેચ વચ્ચે, એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપ અથવા ઈ-સિગારેટ પીતા કેમેરામાં કેદ થયો હતો, અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારી ઘટના ૨૮ એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઇપીએલ ૨૦૨૬ ની ૪૦મી મેચ દરમિયાન બની હતી. રાજસ્થાનની ઇનિંગની ૧૬મી ઓવર દરમિયાન, પરાગ ડ્રેસિંગ રૂમમાં તેના સાથી ખેલાડીઓ ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલથી ઘેરાયેલા હતા, ત્યારે તેને આકસ્મિક રીતે ઈ-સિગારેટ પીતા જોવા મળ્યો હતો.
સ્ટેડિયમ અને ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાન પર સખત પ્રતિબંધ છે, સિવાય કે નિયુક્ત વિસ્તારો. પરાગ દ્વારા ઈ-સિગારેટ અથવા વેપ રાખવાનો કથિત આરોપ વધુ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ,૨૦૧૯, ભારતમાં ઈ-સિગારેટ/વેપના ઉત્પાદન, વેચાણ, ખરીદી, આયાત, નિકાસ અને જાહેરાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે. આ કાયદાના ઉલ્લંઘનમાં કેદ અને ભારે દંડની સજા છે.
આ ઘટનાએ ચિંતા પણ ઉભી કરી છે કારણ કે દેશમાં ઈ-સિગારેટ કાયદેસર કે નિયમનકારી નથી, જેના કારણે સમગ્ર મામલાની તપાસની માંગણી થઈ શકે છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ વિવાદમાં ફસાયેલી આ પહેલી વાર નથી. અગાઉ, ટીમ મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા પકડાયા હતા, જે પીએમઓએ પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું. તપાસ બાદ, બીસીસીઆઇએ ચેતવણી જારી કરી હતી અને તેમને દંડ ફટકાર્યો હતો. આ નવા વિવાદમાં શું કાર્યવાહી કરવામાં આવે છે અને બીસીસીઆઇ આ બાબતની સત્તાવાર તપાસ કરશે કે કેમ તે જાવાનું બાકી છે.
આઇપીએલમાં ઈ-સિગારેટ પીવાની ઘટનાઓ કેમેરામાં કેદ થઈ છે. છ વર્ષ પહેલાં,આઇપીએલ ૨૦૨૦ દરમિયાન, એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આરસીબી બેટ્સમેન એરોન ફિન્ચ રાજસ્થાન રોયલ્સ સામેની તેની ટીમની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતો જાવા મળ્યો હતો. હવે, રિયાન પરાગના વીડિયો સામે આવવાથી રાજસ્થાન રોયલ્સ ટીમ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
નોંધનીય છે કે રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં પંજાબ કિંગ્સને હરાવનારી પ્રથમ ટીમ બની હતી. રાજસ્થાને હાઇ-સ્કોરિંગ મેચમાં પંજાબને ૬ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૨૨ રન બનાવ્યા હતા. જવાબમાં, રાજસ્થાને ૧૯.૨ ઓવરમાં ૨૨૩ રનનો લક્ષ્યાંક હાંસલ કરીને સિઝનની છઠ્ઠી જીત નોંધાવી હતી. આ જીત સાથે, રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.















































