જાફરાબાદ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. જાફરાબાદ તાલુકા પંચાયતની કુલ ૧૩ બેઠકોના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
૧૩ બેઠકોમાંથી ભાજપે ૧૧ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સત્તા જાળવી રાખી છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર બે બેઠકો ગઈ છે. આ પરિણામોની જાહેરાત થતા જ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતની બે મહત્વની બેઠકો પર પણ સૌની નજર હતી. નાગેશ્રી જિલ્લા પંચાયતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર શારદાબેન કરસનભાઈ ભીલ વિજેતા જાહેર થયા છે. તેવી જ રીતે ટીંબી જિલ્લા પંચાયતની બેઠક પર પણ ભાજપના રમેશભાઈ બાંભણિયાએ જીત હાંસલ કરી છે. જાફરાબાદની મોર્ડન સ્કૂલ ખાતે વહેલી સવારથી જ ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ પરિણામો બાદ સમગ્ર પંથકમાં વિજય સરઘસો અને ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરવામાં આવી હતી.










































