અમરેલી જિલ્લામાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી, જેમાં એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. પ્રથમ બનાવમાં, ચાંચ ગામથી ખેરા તરફ આવી રહેલા એક યુવાનની મોટરસાયકલને સામેથી આવતા અન્ય મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે જસમતભાઇ નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ચોથીબેન છગનભાઇ ગુજરીયા (ઉ.વ. ૭૦)એ ગણપતભાઇ જેસરભાઇ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો દીકરો જસમતભાઇ મોટરસાયકલ લઈને ચાંચ ગામથી ખેરા તરફ આવી રહ્યો હતો. ખેરા ગામે રામાપીરના મંદિર પાસે પહોંચતા, સામેથી આવતા મોટરસાયકલ ચાલક ગણપતભાઇએ તેને ટક્કર મારી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં, ખાંભાની રાજધાની હોટલ પાસે મોડી રાત્રે બે લક્ઝરી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા સ્વિફ્ટ કાર ચાલકે એસ-ક્રોસ કારને ટક્કર મારતા, તે કાર રોડ સાઈડ ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જી સ્વિફ્ટ કારનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.







































