એક જંગલમાં એક નાનું અને ધોળું-ધોળું સસલું રહેતું હતું. એનું નામ હતું સ્વીટુ. સ્વીટુને ગાજર બહુ ભાવે! એક દિવસ સ્વીટુ નદીકિનારે ફરવા ગયું. તેણે જોયું કે નદીની સામે પાર તો લાલ-લાલ તાજાં-તાજાં ગાજર ઊગ્યાં છે. લાલ-લાલ તાજાં-તાજાં ગાજર જોઈ સ્વીટુના મોંમાં પાણી આવી ગયું. પણ નદીમાં તો બહુ પાણી હતું. સ્વીટુ વિચારવા લાગ્યું, ‘મારે તો લાલ-લાલ તાજાં-તાજાં ગાજર ખાવાં છે. પણ હું સામે પાર જઈશ તો કેવી રીતે જઈશ?’
એટલામાં ત્યાં ધમધમ ધમધમ કરતો ગજ્જુ હાથી આવ્યો. ગજ્જુ તો સ્વીટુનો પાકો દોસ્ત! ગજ્જુ કહે, ‘કેમ સ્વીટુ, તું આટલો ઉદાસ કેમ છે? તું શું વિચારી રહ્યો છે?’ સ્વીટુ બોલ્યું, ‘‘ગજ્જુભાઈ, જુઓ ને! સામે પાર કેવાં મજાનાં લાલ-લાલ તાજાં-તાજાં ગાજર છે! એ તો મને દૂરથી ચોકલેટના પહાડ જેવાં લાગે છે! મારે એ લાલ-લાલ તાજાં-તાજાં ખાવાં છે, પણ મને તરતાં તો આવડતું નથી. બસ એ જ વિચારું છું કે આ નદીની સામે પાર જવું શી રીતે! પણ મને કોઈ ઉપાય જડતો નથી. લાગે છે આજે મને લાલ-લાલ તાજાં-તાજાં ગાજર ખાવા નહિ મળે!”
સ્વીટુની વાત સાંભળી ગજ્જુ હાથી ખડખડાટ હસ્યો અને બોલ્યો, ‘અરે દોસ્ત, તું જરાય ચિંતા ન કરીશ! હું છું ને! ચાલ, તું ઝટપટ મારી પીઠ પર બેસી જા. હું તને સામે પાર લઈ જાઉં. તું તારે લે’ ર થી પેટ ભરીને લાલ-લાલ તાજાં-તાજાં ગાજર ખાજે અને મોજ કરજે!’
મિત્ર ગજ્જુની વાત સાંભળી સ્વીટુ રાજીરાજી થઈ ગયું. એ તરત કૂદકો મારીને ગજ્જુની પીઠ પર બેસી ગયું. ગજ્જુ નદીના પાણીમાં ચાલવા લાગ્યો – છબ-છબ… છબ-છબ! ધબધબ ધબધબ! સ્વીટુને તો બહુ મજા પડી! જાણે કોઈ મોટા જહાજમાં બેઠો હોય તેવું લાગ્યું! તેણે ગજ્જુના મોટા કાન પકડી લીધા. ગજ્જુએ પોતાની સૂંઢથી સ્વીટુ પર પાણી ઊડાડ્‌યું. સ્વીટુ તો હસવા લાગ્યું, ‘હા… હા… હા…!’ મસ્તી કરતાં કરતાં જોતજોતામાં ગજ્જુ હાથી સ્વીટુને લઈને સામે પાર પહોંચી ગયો. ત્યાં તો ગાજર જ ગાજર!
સ્વીટુએ ગજ્જુને કહ્યું, ‘ગજ્જુભાઈ, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ! તમે મને મદદ કરી એટલે જ હું આ લાલ-લાલ તાજાં-તાજાં ગાજર સુધી પહોંચી શક્યો.’ પછી તો ગજ્જુએ પોતાની સૂંઢથી જમીનમાંથી ગાજર કાઢ્યાં અને સ્વીટુને આપ્યાં. બંને મિત્રોએ પેટ ભરીને ગાજર ખાધાં. બંને પણીમાં છબછબિયાં કરતા, ગાતાં-ગાતાં પાછા ફર્યા ઃ
લાલ-લાલ ગાજર ખાધાં!
મીઠાં-મીઠાં ગાજર ખાધાં!
તાજાં-તાજાં ગાજર ખાધાં!
સ્વીટુભાઈએ ગાજર ખાધાં!
ગજ્જુભાઈએ ગાજર ખાધાં!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭